ગુજરાતના મુખ્યમંત્રીને વોર્ડ નં-૪ના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ પાઠવ્યો પત્ર
જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે એટલી બધી ફરિયાદોનો જમેલો ભેગો થયો છે કે, કોઈ ઉકેલ આવી શકે તેવી શકયતા નથી. તો બીજી તરફ લોકો હવે પ્રાથમિક સુવિધાના પ્રશ્ને રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે અને શાસકો સામે બાયો ચડાવી છે. એટલું જ નહી નિંભર બની ગયેલા તંત્રવાહકોને જગાડવા માટેની પણ બુમ ઉઠી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં-૪ના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિસ્તૃત પત્ર પાઠવી પ્રજાને પ્રાથમિક સુવિધા પુરી પાડવાના હેતુથી નિંભર તંત્રને જગાડવા માટે ઢોલ-નગારા વગાડી અને તેમની ઓફિસમાં જાગૃતિનો ઘંટ બાંધવા પણ રજુઆત કરતા ચકચાર જાગી ઉઠી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, પ્રાથમિક સુવિધા પુરી પાડવા માટે જાગૃત કરવા મેયર, કમિશ્નરની ઓફિસમાં પણ ઢોલ, નગારા વગાડવાની માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર ૪ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, હાલમાંજ ખરાબ રસ્તાના કારણે એક યુવાનનો ભોગ લેવાયો છે. એકતરફ મનપાની હાઉસ ટેક્ષ શાખાના કર્મીઓ જેમનો હાઉસ ટેક્ષ બાકી હોય તેમના ઘરે જઇ ઢોલ, નગારા વગાડી તેને જાગૃત કરવા પ્રયાસ કરે છેે. તો બીજી તરફ જૂનાગઢની પ્રજાને છેલ્લા ૧૫ વર્ષથી પ્રાથમિક સુવિધા મળી નથી. માટે જે રીતે ટેક્ષ ન ભરનારના ઘરે ઢોલ વગાડી તેને જાગૃત કરાય છે તે રીતે હાઉસ ટેક્ષ શાખાના સ્ટાફે પ્રથમ તો કમિશ્નર અને મેયરની ઓફિસમાં ઢોલ, નગારા વગાડી તેમને પ્રજાને સારા રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા માટે જાગૃત કરવાની જરૂર છેે. સાથે પ્રાથમિક સુવિધાથી વંચિત હોવા છતાં જેમણે ટેક્ષ ભર્યો છે તેને પ્રાથમિક સુવિધા પૂરી ન પાડી શકનાર મનપાએ ટેક્ષની રકમ પરત કરવી જાેઇએ. પ્રજાને પુરતી પ્રાથમિક સુવિધા મળે પછી જ ટેક્ષની ઉઘરાણી કરવી જાેઇએ.