જૂનાગઢમાં ૨૪ બોટલ દારૂ લઈ જતા યુવકનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતમાં દારૂની ૬ બોટલનો બૂકડો બોલી ગયો હતો. જાેકે પોલીસે ૩૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે મોતીબાગ રોડ ઉપર આવેલ ખાનગી સ્કૂલ નજીક માણસોનું ટોળું એકત્ર થયેલું જાેવા મળતા પોલીસે તેનું વાહન રોકીને તપાસ કરતા જીજે-૧૧-સીકે-૫૮૬૧ નંબરનું બાઈક ડિવાઇડર સાથે અથડાતા તેના ચાલકને માથામાં ગંભીર ઈજા થઈ હોવાનું જણાયું હતું. આખી તાત્કાલિક ૧૦૮ મારફત ઇજાગ્રસ્ત વ્યક્તિને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બાઈક સવાર મોતીબાગ રોડ તરફથી મધુરમ બાજુ જઈ રહ્યો હતો અને અકસ્માતનો ભોગ બન્યો હતો. સ્થળ પરથી બાઇક સાથેનો થેલો મળી આવતા પોલીસે થેલાની તલાસી લેતા ઇંગ્લિશ દારૂની ૨૪ બોટલ મળી આવી હતી પરંતુ ૬ બોટલ અકસ્માતના કારણે તૂટી ગઈ હતી. આખી પોલીસે બોટલ દારૂ અને બાઈક સહિત રૂપિયા ૩૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઇજાગ્રસ્ત બેભાન હાલતમાં હોવાથી તેનું નામ વગેરે બહાર આવ્યું નથી. વધુ તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.