જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા પુ.બાપુજી નિર્મિત ડો.સુભાષ એકેડેમીના વાર્ષિકોત્સવની સોમવારે થશે ઉજવણી

0

ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ આપેલી વિગત

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સુવિખ્યાત અને અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા પુ.બાપુજી નિર્મિત ડો.સુભાષ એકેડેમી સંસ્થાના વાર્ષિકોત્સવની આગામી સોમવારે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. અને જે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. સેવા, સાધના અને સંસ્કારની તપોભુમિ એવા ગિરનારની ગોદમાં આવેલી ઐતિહાસિક નગરીના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા પુ.બાપુજી નિર્મિત ડો.સુભાષ એકેડેમી જૂનાગઢ સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડો.સુભાષ યુનિવર્સીટી અભ્યાસેતર પ્રવૃતિના ભાગરૂપ વાર્ષિકોત્સવ-ર૦ર૩ ઉજવી રહી છે. આ કાર્યક્રમના ઉદઘાટન અને અધ્યક્ષ તેમજ ઉપસ્થિત અન્ય વિદ્વાન વકતાઓના વિદ્વતાપુર્ણ અને શ્રેયકર ઉદ્‌બોધનનો લાભ લેવા તેમજ આપણા દેશની આધ્યાત્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે વહીવટી ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી સમાજના ગૌરવ અપાવનાર જ્ઞાતિરત્નોને સન્માનિત કરવામાં આવશે તેમજ ડો.સુભાષ એકેડેમીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભાઈઓ-બહેનોને સન્માનીત કરી પ્રોત્સાહીત કરવામાં આવશે.
ગઈકાલે સુભાષ એકેડેમી પરિવાર દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સંસ્થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ કાર્યક્રમ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. આગામી તા.રપ ડિસેમ્બર ર૦ર૩ સોમવારે સવારે ૯ કલાકે ડો.સુભાષ રંગભવન, ડો.સુભાષ એકેડેમી, ડો.સુભાષ રોડ જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન પ.પુ.યોગીપીર શેરનાથબાપુ ગુરૂશ્રી ત્રિલોકનાથબાપુ (મહંતશ્રી ગોરક્ષનાથ આશ્રમ, ભવનાથ-જૂનાગઢ)ના હસ્તે કરવામાં આવશે. જયારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પ.પુ.શ્રી મુકતાનંદબાપુ (અધ્યક્ષશ્રી ભારત સાધુ સમાજ) શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાંપરડા રહેશે.
આ કાર્યક્રમમાં વિદ્વાન આધ્યાત્મિક વકતા પ.પુ.સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી આર્શિવચન પાઠવશે. જયારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી સંન્યાસી ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં પ.પુ.મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદબાપુ(આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, જૂના અખાડા, ભારતી આશ્રમ, જૂનાગઢ), પ.પુ.શ્રી ઈન્દ્રભારતીબાપુ (મહંતશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, ભવનાથ, જૂનાગઢ), પ.પુ.શ્રી મહાદેવગીરીબાપુ(મહંતશ્રી, અવધુત આશ્રમ, ભવનાથ, જૂનાગઢ), પ.પુ.શ્રી પીરબાવા શ્રી તનસુખગીરીબાપુ(મહંતશ્રી, અંબાજી મંદીર, ગિરનાર ક્ષેત્ર, ભવનાથ, જૂનાગઢ), પ.પુ.શ્રી રામાનંદબાપુ(મહંતશ્રી, ઈન્દ્રેશ્વર મહાદેવ, જૂનાગઢ), પ.પુ.શ્રી રાજેન્દ્રદાસબાપુ (મહંતશ્રી, નકલંકધામ, તોરણીયા), પ.પુ.શ્રી વિજયબાપુ(મહંતશ્રી સતાધાર ધામ) સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહેશ.
આ ઉપરાંત આધ્યાત્મિક સંસ્કૃતિને ઉજાગર કરતો રંગારંગ કાર્યક્રમ તા.રપ-૧ર-ર૩ સોમવારે રાત્રે ૯ કલાકે ડો.સુભાષ રંગભવન, ડો.સુભાષ એકેડેમી, ડો.સુભાષ રોડ, જૂનાગઢ ખાતે યોજાશે. અને જેનું ઉદઘાટન સાધ્વી ડો.રાજેશ્વરી મૈયા(યોગગુરૂ)શ્રી પંચાશતપીઠ આશ્રમ, સોમનાથના હસ્તે કરવામાં આવશે.
ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના ડો.બલરામ ચાવડા તેમજ ટેકનીકલ ઈન્સ્ટીટયુટના વડા દિપકભાઈ પટેલે ડો.સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આદ્ય સ્થાપક પેથલજીભાઈ ચાવડા ‘પુ.બાપુજી’એ આપેલા યોગદાન તેમજ દિકરીઓને માટે કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત છણાવટ કરી હતી. એટલું જ નહી, આ શૈક્ષણિક સંસ્થાઓનો મુખ્ય હેતુ એ રહે છે કે અહી અભ્યાસ કરતી દિકરીઓને તેમજ વિવિધ સંસ્થાઓમાં જાેડાયેલા વિદ્યાર્થીઓને ડો.સુભાષ એકેડેમી સંલગ્ન સંસ્થાના વાર્ષિકોત્સવ દરમ્યાન કંઈક નવું જ્ઞાન આપવા પ્રયાસ કરવામાં આવે છે. આ સંસ્થાના સ્થાપના કાળથી લઈ ૪૭ વર્ષના આ સમયગાળા દરમ્યાન સમાજને કંઈક નવું આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ડો.સુભાષ એકેડેમીના વાર્ષિકોત્સવની ઉજવણી અંતર્ગત વરીષ્ઠ અને ટોચના રાજકીય મહાનુભાવો ઉપરાંત વિવિધ ક્ષેત્રના પ્રથમ હરોળના સંત-મહાપુરૂષો, તત્વ ચિંતકોના સમયાંતરે કાર્યક્રમો યોજાતા હોય છે અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવતું હોય છે. એક શુભ સંદેશો આપવામાં આવતો હોય છે અને સમાજમાં ઉમદા કાર્યો અને સેવાના કાર્યોને વેગ મળે છે એટલું જ નહી, સંસ્થાના વાર્ષિકોત્સવ મહિલા વર્ગને પ્રાધાન્ય આપવા માટે એક સમયે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા પ્રતિનિધી, આયોજક તેમજ ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના અગ્રણી મહિલાઓ પણ આ સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થીત રહયા હતા. આ વર્ષે એટલે કે આગામી વાર્ષિકોત્સવમાં પણ એક નવો જ અભિગમ અપનાવવામાં આવેલ છે. ડો.સુભાષ એકેડેમીના વડા જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓના પુત્ર અને યુવા તેજ એવા ડો.સુભાષ યુનિવર્સીટીના પ્રમુખ રાજભાઈ ચાવડાનું એવું સુચન હતું કે, આ વખતે આપણા આ વાર્ષિકોત્સવમાં સનાતન ધર્મ અને અગ્રણી સંતોના આર્શિવચન અંતર્ગત કાર્યક્રમો યોજવાના આ સુચનને વધાવી લેવામાં આવ્યું અને આમંત્રણ પત્રિકા પણ ભગવા કલરની ડીઝાઈન કરવામાં આવી છે અને વાર્ષિકોત્સવમાં પણ સંતોની વિશેષ ઉપસ્થિતી રહેશે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં ખ્યાતનામ બનેલી ડો.સુભાષ એકેડેમીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને હોનહાર વિદાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. આગામી સમયમાં જ એટલે કે ત્રણ વર્ષમાં જ પુ.બાપુજી શ્રી પેથલજીભાઈ ચાવડાને સ્વપ્નને સાકાર કરવા માટેના ધરખમ પ્રયાસો કરવામાં આવી રહયા છે અને ડો.સુભાષ યુનિવર્સીટીના અદ્યતન સુવિધાથી જ સજ્જ ભવ્ય સંકુલ નિર્માણ પામશે અને જે અંગેની ડીઝાઈન તેમજ એક ડોકયુમેન્ટ્રી પણ આ વાર્ષિકોત્સવમાં દર્શાવવામાં આવશે. ગુજરાતની ટોપ યુનિવર્સીટીમાં સ્થાન ડો.સુભાષ યુનિવર્સીટીને પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અને આ સ્વપ્ન સાકાર કરવા અમારો સમગ્ર સુભાષ એકેડેમી પરિવાર કાર્યરત બન્યો છે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!