જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશભરમાં હાલ કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે ત્યારે જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રમાં પણ ઠંડીની તીવ્રતા વધી રહી છે. હવામાન વિભાગએ આપેલી માહિતી અનુસાર આજે જૂનાગઢ શહેરનું મહતમ તાપમાન ૧પ.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી, ભેજ ૮૩ ટકા અને પવનની ગતી ૪.૬ રહી છે. આમ સોરઠ પંથકમાં ઠંડીનું તીવ્ર મોજુ પ્રસરી ગયું છે. જૂનાગઢ સહિત સોરઠમાં બુધવારે ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગિરનાર પર્વત ઉપર તાપમાન ઘટીને ૭.પ ડિગ્રી નોંધાતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આગામી ર૯થી ૩૦ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થવાની છે. જે પહેલા તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. છેલ્લા બે દિવસ દરમ્યાન લઘુતમ તાપમાનમાં ૧.૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સોમવારે ૧૩.૯ ડિગ્રી, મંગળવારે લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયા બાદ પારો વધુ નીચે ઉતરીને ૧ર.પ ડિગ્રી સ્થિર થયો હતો. જેના પરિણામે સમગ્ર જૂનાગઢ અને સોરઠ પ્રદેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત ઉપર ૭.પ ડિગ્રી કાતિલ ઠંડી રહી હતી. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા બુધવારે પણ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે ઠંડી વધુ કાતિલ બની હતી. દરમ્યાન બુધવારે મંગળવારની સરખામણીએ મહતમ તાપમાન ર ડિગ્રી ઘટીને ૩૦.૪ ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજ પણ ઘટીને ૩ર ટકા થઈ જવાની સાથે પવનની પ્રતિ કિલોમીટરની ઝડપ ર.૮ કિલોમીટરની રહેતા આખો દિવસ ટાઢોડું રહ્યું હતું. હજુ આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની સંભાવના જાેવાઈ રહી છે.