પ્રદેશ પ્રમુખના શાનદાર સ્વાગત માટે બાઈક રેલી, સભા તેમજ લોકોના પ્રશ્ને આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલ આજે જૂનાગઢના મહેમાન બની રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આજે બાઈક રેલી, સભા, આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જૂનાગઢના મહેમાન બની રહ્યા છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ પ્રથમવાર જૂનાગઢ આવી રહ્યા હોય તેના સ્વાગત, બાઇક રેલી અને સભા સંબોધનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરાએ જણાવ્યું હતું કે, આજે ગુરૂવારે બપોરના ૧૨ વાગ્યે શક્તિસિંહ ગોહિલ સક્કરબાગની સામે આવશે જ્યાં તેમનું સ્વાગત કરાશે. બાદમાં ૩૨૫થી વધુ બાઇકો સાથેની બાઇક રેલી યોજાશે. આ રેલી સક્કરબાગથી મજેવડી દરવાજા, રેલવે સ્ટેશન થઇ ગાંધીચોકે પહોંચશે. અહિં શક્તિસિંહ ગોહિલ મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરા કરશે. બાદમાં રેલી સાથે બપોરે ૧ વાગ્યે ઝાંસીની રાણીના સર્કલે પહોંચશે. અહિં તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે. ખાસ કરીને દરેક ગામથી એક ગાડી ભરાઇને લોકો આવવાના હોય કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહેશે. સભાને સંબોધિત કર્યા બાદ તેઓ પગપાળા ચાલીને જિલ્લા કલેકટર કચેરી ખાતે જશે અને લોકો- ખેડૂતોના વિવિધ પ્રશ્ને આવેદન આપી રજૂઆત કરશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રભારી હિરાભાઇ જાેટવા અને મહામંત્રી વી.ટી. સીડાએ અનુરોધ કર્યો છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.