જૂનાગઢમાં ભુગર્ભ ગટર મામલે પ્રજા સાથે કરેલા વર્તાવનો ડે.મેયર ગિરીશ કોટેચાનો વિડીયો વાયરલ

0

અંબિકા ચોક નાગર રોડમાં ભુગર્ભ ગટરની મનપાની કામગીરીના વિરોધમાં લોકો રસ્તા ઉપર બેસી ગયા

જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી સામે આમ જનતામાંથી વિરોધનો વાવટો સતત ફરકી રહેલ છે. ગઈકાલે અંબિકા ચોક અને નાગર રોડ વિસ્તારના મહિલાઓ અને પુરૂષો, વેપારીઓ અને રહેવાસીઓ ભુગર્ભ ગટરની મનપા દ્વારા શરૂ થયેલી કામગીરીના વીરોધમાં રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને રામધુન બોલાવી હતી. બરાબર આ ટાંકણે જ કામ અટકાવી દીધું હોવાની જાણ જૂનાગઢ મહાનગરપાલીકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને થતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા. અને એક તકે મામલો ગરમા ગરમ થયો હતો. પ્રજા સાથેના વર્તાવ અંગેનો ડે.મેયર ગીરીશ કોટેચાનો વિડીયો વાયરલ થતા સારી એવી ચકચાર જાગી ઉઠી છે. લોકોમાં અનેકવિધ ચર્ચાઓ હાલ ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરની જનતા રસ્તાના કામો, ખાડા-ટેકરા અને ખોદકામના કામોથી અત્યંત ત્રાસી ગઈ છે એટલું જ નહી, વોંકળા ઉપરના કથીત દબાણો અને તેના સર્જાયેલા જુન માસમાં જલ પ્રલયના ઘટનાને કારણે મોતના મુખમાંથી આ શહેરની જનતા ઉગરી છે. ત્યારે મનપાના નફ્ફટ તંત્રને જાણ આમ જનતાના જાન માલની ખેવના ન હોય તે રીતે આડેધડ વિકાસના કામો કરવામાં આવી રહયા છે. અને નાણાનો બેફામ દુરૂપયોગ થઈ રહયો હોવાની ચોંકવનારી હકીકતો બહાર આવવા પામી છે. જૂનાગઢ શહેરના માંગનાથ રોડ વિસ્તારમાં જુની ગટર કોઈપણ જાતની ક્ષતિ ન હોવા છતાં ત્યાં નવી ગટર બનાવવા બાબતે મનપાએ કાર્યવાહી કરતા માંગનાથ વિસ્તારના વેપારીઓએ ભુગર્ભ ગટર યોજનાની નવી કામગીરી સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. અને તેમ છતાં અહી ધરાર ગટર કરવામાં આવશે તેવું જવાબદાર પદાધિકારીએ જણાવતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો. ભુપેન્દ્રભાઈ તન્નાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને માંગનાથ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી કરવી નથી, અને આ અંગે સરકારી દ્વારા યોગ્ય પગલા અને ઘટીત કાર્યવાહી કરવાની માંગણી કરતો પત્ર પાઠવ્યો છે. તો બીજી તરફ જૂનાગઢ હિત રક્ષક સમિતિના કિરીટ સંઘવી અને ધીરૂભાઈ પુરોહિતના નેજા હેઠળ તાજેતરમાં જ એક વરિષ્ઠ નાગરિકોની બેઠક મળી હતી અને તેમાં જૂનાગઢ શહેરના વિવિધ પ્રશ્નો અંગે જૂનાગઢ ખાતે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજુઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. ખાસ કરીને વોંકળા ઉપરના દબાણો અને કથીત ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો તેમજ ગરનાળાનો મુદ્દો મહત્વનો રહેશે. જૂનાગઢ શહેરમાં મનપાના શાસન સામે જનતામાં ભારે રોષ છવાયેલો છે. બરાબર એવા જ સમયે ફરી એકવાર ગઈકાલે ભુગર્ભ ગટરની કામગીરીને અટકાવવા માટે અંબિકા ચોક, નાગર રોડના રહેવાસીઓ રસ્તા ઉપર બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી. અને અમારે કોઈપણ સંજાેગોમાં ભુગર્ભ ગટર બનાવવી નથી. ગઈકાલે ઉપસ્થિત થયેલા માજી સૈનીક વરીષ્ઠ નાગરિક તેમજ લતાવાસીઓ અને મહિલા વર્ગની એક જ રજુઆત હતી કે, જુની જે ગટર કાર્યરત છે તે નવાબી સમય કાળની છે અને આ ગટર આજ દિવસ સુધી કયારેય ઉભરાણી નથી કે ફોલ્ટ આવ્યો નથી અને ગટર ખરાબ નથી તો પછી ખોટો ખર્ચ શું કામ કરવો ? અને નાણાંની જાે ફાળવણી કરવામાં આવી છે તો અન્ય વિકાસ કામોમાં કરવા જણાવેલ હતું અને અમને ઉલ્લું બનાવવાની જરાપણ નથી તેવી રજુઆતો કરવામાં આવી હતી. આ દરમ્યાન અંબીકા ચોક અને નાગર રોડ વિસ્તારમાં લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હોવાની જાણ મહાનગરપાલીકાના ડે.મેયર ગિરીશ કોટેચાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.(આ વિસ્તાર એટલે કે વોર્ડ નં.૧૦ તેઓનો પોતાનો વિસ્તાર છે અને ત્યાં જાે આવું થતું હોય તો તે કેમ ચલાવી લેવાય ?) અને લોકો પાસે ધસી ગયા હતા. એક તકે તો રહેવાસીઓને ડે.મેયર ગિરીશ કોટેચા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને આ તકે ગિરીશ કોટેચાએ એવું રોફ સાથે જણાવ્યું હતું કે, એય… સાંભળ… સાંભળ મારી વાત… એમ કહી રજુઆત કરનારાઓની બોલતી બંધ કરી હતી તેમજ ત્યાં એકઠા થયેલા લોકો અને મહિલાઓને જતા રહેવાનું જણાવ્યું હતું. એટલું જ નહી કામ શું ન થાય… કામ થાય જ… એવો હુંકાર પણ કર્યો હતો. અને આ ઘમાસાણ ચાલતું હતું તે અંગેનું રેકોર્ડીંગ ત્યાં ઉપસ્થિત મીડીયાના કર્મચારીઓએ કરી લીધું હતું અને એટલું જ નહી, આ અંગેનો વિડીયો પણ વાયરલ કરી દેવામાં આવતા ચકચાર જાગી ઉઠી હતી. આ વિડીયો વાયરલ થતા જ જે દ્રશ્યો સામે આવ્યા હતા. તેનાથી જૂનાગઢ શહેરની જનતા અને બુધ્ધિજીવી વર્ગમાં રોષની લાગણી પણ વ્યાપી ગઈ છે. લોકોમાં એવો સવાલ પણ ઉઠવા પામ્યો છે કે શું આવા દિવસો જાેવા માટે આપણે ખોબલા ભરી ભરીને ભાજપના ઉમેદવારની મત આપીને આપણું કંઈક હિત કરશે, નગરનો વિકાસ કરશે, પ્રાથમિક સુવિધા ઉભી કરશે તેવા વિશ્વાસ સાથે મતો આપ્યા હતા પરંતુ તેનું આવું પરિણામ આવશે તેની તો કલ્પના પણ કરી ન હતી.
અંતમાં ગઈકાલે જે કાંઈ અંબિકા ચોક અને નાગર રોડ ખાતે બન્યું હતું તે બાદ ડે.મેયર ગિરીશ કોટેચાએ સુપ્રિમ કોર્ટ અને ગુજરાત સરકારની સુચના અંતર્ગત ગુજરાતભરમાં ગંદા પાણીના, વરસાદી પાણીના સંકલન માટેની કાર્યવાહીના ભાગરૂપે આ ભુગર્ભ ગટરની કામગીરી રાજયભરમાં કરવામાં આવી રહી છે. અને આગામી પ૦ વર્ષ સુધી લોકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે આ ભુગર્ભ ગટરની કામગીરી પુર્ણ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું અને અંતે મામલો થાળે પડયો હતો.

error: Content is protected !!