કેસરીયા વાઘા, ધજાપતાકા, ઘરે-ઘરે રંગોળી, રામધુન તેમજ પ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમ યોજાયા : રામમય બન્યો માહોલ
જૂનાગઢ શહેરમાં મોતીબાગ નજીક આવેલી ગુણાતીતનગર સોસાયટીમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ભકિતભર્યો માહોલ સર્જાયો હતો. ગુણાતીતનગરને શણગારવામાં આવ્યું હતું અને ઘરે-ઘરે પ્રભુ પધાર્યાના વધામણા થયા હતા અને અનેકવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યા તથા આખું વિશ્વ રામમય બન્યું છે ત્યારે જૂનાગઢ ખાતે ગુણાતીત નગર સોસાયટી દ્વારા પ્રભુ શ્રી રામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય રીતે પ્રભુ શ્રી રામને વધાવવા છેલ્લા ૧૫ દિવસ થયા રામમય બની મહા ઉત્સવની તૈયારીમાં લાગી હતી. ગુણાતીત નગર સોસાયટીને જાણે કેસરિયા વાઘા પહેરાવ્યા હોય તેમ દરેક ઘરોમાં ધજા પતાકા તોરણોથી શણગારવામાં આવ્યા હતા. ઘરે ઘરે રંગોળી કરવામાં આવી તથા દીપ અને રોશનીથી ગુણાતીત નગર શોભાયમાન દીપી ઊઠ્યું હતું. દશરથ નંદન પ્રભુ શ્રી રામ પધારી રહ્યા હોઈ ત્યારે અનેરા ઉત્સાહ ઉમંગ સાથે રામ સેવકો દ્વારા ભક્તિમય વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું. શ્રી હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન તથા પૂર્વ સંધ્યાએ રાસોત્સવથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સોમવારના પ્રભુ શ્રી રામજી પધારે તે પૂર્વ સંધ્યાએ ગુણાતીત નગર સોસાયટી વધામણાંની તૈયારી કરી હતી. પ્રભુ શ્રી રામના જન્મથી લઈ રાજ્યાભિષેક સુધીના વિવિધ ફ્લોટ બનાવવામાં આવ્યા હતા. જાણે અયોધ્યામાં જ વિહાર કરતા હોઈએ તેવો માહોલ ઉભો થયો હતો. પ્રભાતના શ્રી રામના ધૂન-ભજનથી શરૂ કરી ૯ઃ૩૦ વાગ્યે ઢોલ શરણાઈના નાદ સાથે શ્રી રામજી સીતાજી, લક્ષમણજી તથા હનુમાનજી બનેલ બાળકોને રથમાં બેસાડી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. કેસરિયા નગરી ગુણાતીત નગરના નાના મોટા સર્વે રહીશો શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ થઈ આ શોભાયાત્રામાં જાેડાયા હતા. જય જય શ્રી રામના નાદ સાથે આખી સોસાયટીમાં ત્રણ કલાક સુધી મહા શોભાયાત્રામાં સર્વે રામમય બની તરબોળ થયા હતા. ઢોલ, શરણાઈ, ધૂન, ભજનથી મંત્રમુગ્ધ થઈ સૌ અતિ આનંદિત થયા હતા. આ દિવ્ય ક્ષણોના સાક્ષી બન્યાની ધન્યતા સૌએ અનુભવી હતી. શોભાયાત્રા બાદ શ્રી ભોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહા આરતી માટે જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોરે ૧૨ઃ૨૦ મિનિટે જયઘોષ, જયનાદ સાથે પ્રભુ શ્રી રામની આરતી કરી અબીલ ગુલાલ તથા અક્ષતથી ભગવાન શ્રી રામજીને વધાવવામાં આવ્યા હતા. સૌ રામ ભક્તો ભાવવિભોર થઈ શ્રી રામજીને સાષ્ટાંગ દંડવત કરી ધન્યતા અનુભવી હતી. આ અવર્ણીમ ક્ષણોના સાક્ષી બની અનુભૂતિ થયા હતા. મારા રામ મારે ઘર પધાર્યા હો જી, હું તો થઈ ગઈ પાવન, આ ધન્ય ઘડી, ધન્ય અવસરે ગુણાતીત નગર સોસાયટીમાં અમૃતમય સમૂહ ભોજન પ્રસાદી લઈ જાણે અયોધ્યામાં જ હાજર હોઈ તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ અનેરા અવસરને દિવ્ય બનાવવા દિવસ રાત થાક્યા વિના ભગીરથ કાર્ય કરનાર સર્વે રામભક્ત એવા અગ્રણી કાર્યકર ભાઈઓ-બહેનોને આ તકે ખૂબ ખૂબ ધન્યવાદ આપેલ હતા.