જૂનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનોખી કાર રેલી યોજાઇ હતી. કાર ઉપર રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના ચિત્રોએ લોક આકર્ષણ ઉભું કર્યું હતું. આ અંગે ટાટા કારના શોરૂમ સંચાલક ગુંજનભાઇએ જણાવ્યું હતું કે, આ વખતે અયોધ્યાની થીમ મુજબ કાર રેલીનું આયોજન કરાયું હતું. આમાં ગોલ્ડન કલરની કાર ઉપર રામ મંદિરનું રેપર બનાવી તેને અદભૂત શણગાર કરાયો હતો. સાથે ચારો તરફ જયશ્રી રામ લખાયું હતું. હનુમાનજીના ચિત્રો દોરાયા હતા અને મુખ્ય બોનેટ ઉપર રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનનું મુખ્ય ચિત્ર લગાવાયુું હતું. ૩૦થી વધુ કાર, ૬ બુલેટ અને ૧ ટ્રેકટર સાથે ભગવાન રામની શોભાયાત્રા યોજાઇ હતી. કારમાં અંધજન મંડળના ૨૫ લોકોને બેસાડ્યા હતા. જ્યારે ટ્રેકટરમાં ૩૨ દિવ્યાંગોને બેસાડ્યા હતા. આ તમામને શહેરમાં શોભાયાત્રામાં શામેલ કરી તેમનું ગૌરવ વધાર્યું હતું. શોભાયાત્રા દોલતપરા સ્થિત શોરૂમથી શરૂ થઇ મેજેવડી ગેઇટ, જયશ્રી રોડ, અક્ષર વાડી, મધુરમ સાંઇબાબા મંદિર, ઝાંઝરડા ચોકડી, જાેષીપરા, ખલીલપુર રોડ સહિતના વિસ્તારોમાં ફરી શોરૂમ ખાતે પરત ફરી હતી. અંધજન મંડળના તમામ લોકો અને દિવ્યાંગોના હાથે આરતી કરાવી હતી અને બાદમાં ભોજન પણ કરાવ્યું હતું. કાર રેલીને ધારાસભ્ય સંજય કોરડિયા વગેરેએ પ્રસ્થાન કરાવ્યું હતું.