સમગ્ર રાજયમાં ફાયર એનઓસીની તપાસ કરવાના આદેશો છૂટયા: કલેકટરોની ટીમો નીકળી પડી

0

ફાયર એનઓસી ન હોય તો ગુનો નોંધવા આદેશ: શાળા, ટયુશન કલાસીસ, મોલ, થિયેટર, માર્કેટ, ધામિર્ક સ્થળોએ એનઓસીની તપાસ – સમગ્ર રાજયમાં ધડાધડ કાર્યવાહી શરૂ 

રાજકોટનાં ૮, સુરતનાં પાંચ ગેમઝોનનાં સંચાલકો સામે એફઆઈઆર નોંધાઈ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સર્જાયેલા કરૂણ અગ્નિકાંડની ઘટનાના ઘેરા પડઘા પડવાનું સરકારમાં ચાલુ છે.રાજય સરકારે ગેમ ઝોન સહિતના જે જાહેર સ્થળોએ જયાં વધુ ભીડ થતી હોય, તેવા સ્થળોએ ફાયર એનઓસી ન હોય તો ગુના નોંધવા આદેશ કરી દીધા છે. તમામ કલેકટરોને આ સુચના મોકલાતા મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસની સંયુકત ચકાસણી શરૂ થઇ છે અને રાજકોટના આવા ૮ ગેમ ઝોન, સુરતના પાંચ ગેમ ઝોન સહિતના સ્થળોએ સંચાલકો સામે ગુના નોંધાતા ખળભળાટ મચ્યો છે. સરકારે ગેમ ઝોન, મોલ, થીયેટર, માર્કેટ, સ્કુલ, ટયુશન કલાસીસ, મંદિર, મસ્જિદ સહિતની તમામ જગ્યાઓ પર આ ફાયર એનઓસીની ચકાસણી કરવા આદેશ આપ્યો છે.

 

ર૮ લોકોના મૃત્યુ બાદ સરકારે જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેઓ સામે ગુનો દાખલ કરાવવા કલેકટરોને આદેશ આપતા આ અંગે જિલ્લા પોલીસ વડાઓને પણ સૂચના આપવામાં આવી છે. રાજકોટ જેવી દુર્ઘટનાનું રાજયમાં કયાંય પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. રાજયમાં અગાઉ આગની અનેક ઘટનાઓ લોકો જીવતા ભૂંજાયા છે અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ હોઇ કોર્ટે પણ ફાયર સેફટીને લઈને સરકારની આકરી ઝાટકાણી કાઢી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં ૨૮ લોકોનાં મૃત્યુની ઘટના બાદ સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જેને લઈને કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે.
જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે. આ હુકમના પગલે રાજકોટના ૮ અને સુરતના પાંચ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે.
જાે કોઈ એકમ પાસે ફાયરની એનઓસી નહી હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ સૂચનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોનની મંજૂરી માટે નવા નિયમો બનાવ્યા છે તે અનુસાર એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બાટિંગ તેમજ રોપ-વેની મંજૂરી માટે નવા નિયમો બનશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે બે પ્રકારનાં સર્ટિફિકેટ જારી કરાશે. તેમજ તમામ એકમો માટે પ્રાથમિક અને કાયમી એમ ૨ પ્રકારનાં સર્ટિફિકેટ લેવા ફરજિયાત બનશે. કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ અલગ સર્ટિફિકેટ લેવાં ફરજિયાત કરવામાં આવશે. નવી વેબસાઇટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતના વિભાગોની વેબસાઇટ સાથે જાેડાણ હશે. તમામ એકમોની ઓનલાઇન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટ વેબસાઇટ પર અધિકારીઓ જાેઈ શકશે તેમજ આગામી એક મહિનામાં નવા નિયમો અને સર્ટિફિકેટને લઈ વેબસાઇટની કામગીરી પૂર્ણ કરાશે. હાલ તો સરકારે આ તમામ ગેમ ઝોન સામે સીલીંગ બાદ પોલીસ કેસની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

error: Content is protected !!