ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫ દેશના અર્થતંત્રને આગળ લઈ જવામાં ઉપયોગી સાબિત થશે : મુખ્યમંત્રી
અમદાવાદમાં સરદાર ધામ દ્વારા આયોજિત ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો છે. આ ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫’ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કોઈપણ બિઝનેસ સમિટ નાની કે મોટી હોતી નથી એ હંમેશા દૂરદર્શિતા ધ્યાનમાં રાખીને આયોજિત થતી હોય છે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૩માં ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને ગુજરાતને એક ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે. એવી જ રીતે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પણ દેશના અર્થતંત્રને આગળ લઈ જવામાં ઉપયોગી સાબિત થશે. આ અવસરે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ‘આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫’ એ ભારતના આર્થિક વિકાસમાં એક સહયોગ આપનારી સમિટ બનવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આર્ત્મનિભર ભારત એ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહિ ભારતને વિકાસના પથ ઉપર આગળ વધવાની પ્રેરણા ગુજરાતમાંથી જ મળે છે એવો તેમને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ અવસરે સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ કહ્યું કે, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫ એ યુવા શક્તિના સ્વાર્ગી વિકાસ માટે આયોજિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાર પાટીદાર સમિટનું આયોજન થઈ ચૂક્યું છે. આજે પાંચમી પાટીદાર સમિટ કાર્યક્રમનો શુભારંભ થયો છે. જાન્યુઆરી ૨૦૨૫માં ગાંધીનગર ખાતે ચાર દિવસીય આ પાટીદાર સમિટ યોજાશે. એટલું જ નહીં, આ સમિટમાં સર્વ સમાજના લોકો જાેડાયા છે. આમ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સુત્ર સાર્થક થઈ રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૫ સાથે સંકળાયેલ ગોવિંદ વરમોરા, બીપીનભાઈ તેમજ સરદાર ધામના ટ્રસ્ટીઓ, ઉદ્યોગજગત સાથે સંકળાયેલા મહાનુભાવો અને મોટી સંખ્યામાં સરદાર ધામના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.