ગીરગઢડામાં જાહેરનામાનો ઉલાળીયો કરનાર ત્રણ તબીબો સામે ગુનો નોંધાયો

0

ત્રણેય તબીબો ફાયર સેફટી અને બાયોમેડીકલ વેસ્ટના જાહેરનામા મુજબની અમલવારી ન કરતા હોવાથી જીલ્લા કલેકટરની સુચનાથી કાર્યવાહી થઈ

ગીર સોમનાથના ગીરગઢડામાં ત્રણ તબીબો પોતાની હોસ્પીટલમાં ફાયર સેફટી અને બાયોમેડીકલ વેસ્ટના જાહેરનામાની અમલવારી ન કરતા હોવાનું આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈ ત્રણેય તબીબો સામે જાહેરનામા ભંગ કરવા બદલ પોલીસમાં ગુનો નોંધાવવામાં આવતા તબીબી આલમમાં ફફડાટ પ્રસરી ગયો છે. રાજકોટના અગ્નિકાંડ જેવી ઘટના ગીર સોમનાથ જિલ્લામાં ન બને તેના માટે જિલ્લાના તમામ જાહેર અને ખાનગી સ્થળો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવી તમામ જગ્યામાં જિલ્લાના મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જિલ્લાના તમામ જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીનું ફાયર સેફટીનું પ્રમાણપત્ર, ફાયર સેફટી લે-આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન, હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટિફિકેટ, લિફ્ટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા નિયત નમૂનાનું પ્રમાણપત્ર રાખવા તથા હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬માં થયેલ જાેગવાઈ મુજબ જિલ્લાની તમામ હોસ્પિટલોને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ, કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસીલીટીનું મેમ્બરશીપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તથા નિયત નમૂનાનું સાઈન બોર્ડમાં ઇન્ડોર કેપેસિટી, જીપીસીબીનું ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ, કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસીલીટીનું મેમ્બરશીપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, બાયોમેડિકલ વેસ્ટ સેગ્રીગેશન માટે સ્ટાફને ટ્રેનિંગ આપેલ છે કે કેમ? તેની વિગતો લોકો સરળતાથી જાેઈ શકે તેવી રીતે રાખવા જાહેરનામુ બહાર પાડેલ હતું. આ બંન્ને જાહેરનામાનો અમલ હોસ્પિટલોમાં થાય છે કે કેમ ? તેની તપાસ કરવા જીલ્લા કલેકટર જાડેજાએ સુચના આપતા આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં ગીરગઢડાની ત્રણ હોસ્પીટલોમા સામે આવેલ બેદરકારી અંગે માહિતી આપતા ટીએચઓ ડો.વિપુલ દુમાતરે માહિતી આપતા જણાવેલ કે, ગીરગઢડાના ડો.વિવેક બી.હીરપરા, ડો.હર્ષદ એચ.રીબડીયા અને ડો.હાર્દિક સી. બુહાની હોસ્પીટલોને એક માસ અગાઉ નોટિસ આપી જાહેરનામા મુજબ કામગીરી કરવા સુચના આપી હતી. તેમ છતાં આજદીન સુધી ત્રણેય હોસ્પીટલોએ ફાયર સેફટી તથા બાયોમેડીકલ વેસ્ટના નિકાલ અંગે જાહેરનામા મુજબની કોઈ કામગીરી ન કરી સર્ટીફીકેટ ડીસ્પ્લે કર્યા ન હતા. બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ પણ નિયમોનુસાર કરવાના બદલે જાહેરમાં રૂટીન કચરા સાથે કરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાથી ત્રણેય તબીબો સામે જાહેરનામા ભંગ બદલ ગીરગઢડા પોલીસમાં ભારતીય ન્યાય સહિતાની કલમ -૨૨૩(બી) હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જાહેરનામાનો અમલ નહીં કરતા હોય તેવા તમામ એકમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર મક્કમ હોવાનું જાણવા મળી રહેલ છે.

error: Content is protected !!