ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે લઘુરૂદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા
પ્રથમ જ્ર્યોતિલંગ સોમનાથ મંદિરે દરેક માસની માસિક શિવરાત્રી ઉપર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે પ્રણાલિકા અનુસાર જયેષ્ઠ માસની માસિક શિવરાત્રિ પર સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના હસ્તે શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારે જયેષ્ઠ માસની માસિક શિવરાત્રી ઉપર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરૂદ્ર, હોમાત્મક લઘુરૂદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી. આ સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, જીએમ વિજયસિંહ ચાવડા, સહિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો જાેડાયા હતા. આ પાવન પ્રસંગે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંદિરના પુજારી, તીર્થ પુરોહિતો સાથે મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પૂજનના અંતે સચિવ દ્વારા મહાદેવને મહાપૂજા માટે પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. જયેષ્ઠ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ઉમટેલ શિવભક્તોના “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠી શિવમય બની ગયું હતું.