વેરાવળમાં જર્જરીત એપાર્ટમેન્ટનો રવેશ ધરાશાયી થયો, સદનસીબે જાનહાનિ ન થઈ

0

ટ્રાફીકથી ધમધમતા અને લોકોની ચહલ-પહલ વાળા રસ્તા ઉપરના એપાર્ટમેન્ટનો મલબો પડેલ : શહેરમાં અકસ્માતને આમંત્રણ આપતા અનેક જર્જરીત મકાનો પડવાના વાંકે ઉભા છતાં તંત્ર નિંદ્રાધીન

વેરાવળમાં ટ્રાફિકથી ધમધમતા એવા ૮૦ ફૂટ રોડ ઉપરના એક જર્જરીત એપાર્ટમેન્ટનો રવેશ ધડાકાભેર ધરાશાયી થયો હતો. આ ઘટના સવારે બની હોવાથી જૂજ લોકોની અવરજવરના કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જાે કે આ એપાર્ટમેન્ટના જર્જરીત ભાગને ઉતારી લેવા માટે પાલિકા તંત્ર દ્વારા અગાઉ નોટીસ પણ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વેરાવળ સોમનાથ જાેડીયા શહેરમાં સેકડો ઇમારતો જર્જરીત હાલતમાં જાેવા મળી રહી છે. જેને ઉતારવાની કામગીરી કરવાના બદલે પાલિકા તંત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેતું હોવાથી અવારનવાર જર્જરિત મકાનો ધરાશાયી થવાના નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. તેવી જ રીતે વધુ એક ધરાશાયી થયાનો અકસ્માત સામે આવ્યો છે. જેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે વેરાવળમાં લોકોની અવરજવર વાળા ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ ગગનદીપ એપાર્ટમેન્ટનો બીજા માળનો રમેશ અચાનક જ ધડાકાભેર ધરાશાયી થઈ તેનો કાટમાળ નીચે રસ્તા ઉપર વિખેરાઈ ગયો હતો. આ સમયે ત્યાં રસ્તા ઉપર લોકોની અવરજવર ન હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. આ અકસ્માતની જાણ થતા પાલિકાના સ્ટાફે સ્થળ મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ આ જર્જરીત એપાર્ટમેન્ટને અગાઉ પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવીને જર્જરીત ભાગ ઉતારી લેવા માટે તાકીદ કરી હતી તેમ છતાં એપાર્ટમેન્ટના કર્તાહર્તાઓએ કોઈ જાતની કામગીરી ન કરતા આજે અકસ્માત સર્જાયો છે. જેથી હવે આ એપાર્ટમેન્ટ બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવી તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે એક વાતચીતમાં જણાવેલ છે.

error: Content is protected !!