વર્તમાન સમયની માંગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પેઢીઓ સુધી લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી બનશે
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ખેતી-પશુપાલન એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. ટૂંકમાં કહીએ તો દેશના આર્થિક વિકાસનો મુખ્ય આધાર ખેતીક્ષેત્રના વિકાસ પર રહેલો છે. ખેડૂતો વધુ ઉત્પાદન મેળવે તો આવક વધે, આવક વધે તો ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવે અને પરિણામે દેશની આર્થિક ઉન્નતિ શક્ય બને.
આઝાદી પહેલા દેશમાં અનાજની ઘટના પરિણામે દેશ હરીયાળી ક્રાંતિ તરફ અગ્રેસર બન્યો. નવી ટેક્નોલોજી સાથે બિયારણો, ખાતરોના ઉપયોગ અને સિંચાઈ સુવિધાથી કૃષિક્ષેત્રે ભારતે હરણફાળ ભરી હતી. જેનાથી દેશમાં ખેત ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો નોંધાયો. પરંતુ આજે સમય બદલાયો છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ગુણવત્તા ખોરવાઈ છે. લોકોમાં બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. રસાયણમાંથી તૈયાર અનાજ આરોગતા લોકોમાં કેન્સર સહિત અન્ય બિમારીઓથી પીડાવાનો આંકડો દિન પ્રતિદીન વધી રહ્યો છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં “વિકસિત ભારત” બનાવવાનું લક્ષ્ય છે. આ માટે તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા માટે “પ્રાકૃતિક કૃષિ” એ વર્તમાન સમયની માંગ છે.
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે સતત ચિંતિત રહી માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાત સમગ્ર દેશ માટે ‘મૉડેલ’ રાજ્ય છે. પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે એ હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે. તેમ આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને એ દિશામાં સરકાર દ્વારા સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, ખેડૂતોના કલ્યાણ માટે, લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય જ છે.