ખંભાળિયામાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો : જળ બચાવવા સંયુક્ત પ્રયાસો હાથ ધરાશે

0

પાણીની સમસ્યા તેમજ સંગ્રહ સંદર્ભે ઉપસ્થિતોને માર્ગદર્શન અપાયું

ખંભાળિયામાં આવેલા નગરપાલિકાના યોગ કેન્દ્ર હોલ ખાતે ગુરુવારે સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા તાલુકાના પાણી અને ખેતીની સમસ્યા નિવારણ માટે છૂટાછવાયા પ્રયાસોને સંયુકત રીતે કઈ રીતે હાથ ધરી શકાય તે હેતુથી એરીડ કોમ્યુનીટીસ એન્ડ ટેકનોલોજિસ (એસીટી-ભુજ) સંસ્થા દ્વારા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, વીન ફાઉન્ડેશન, નયારા એનર્જી, સોલીડારીડાડ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સહયોગથી તાલુકા સ્તરીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા જળ આહુતી આપીને શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવો દ્વારા વર્તમાન સમયની જળ સમસ્યાઓ અને તેના ઉકેલ માટે, દરિયાકાંઠાના ગામોમાં પાણીની નબળી ગુણવત્તા, જમીનમાં વધી રહેલી ખારાશ અને તેની પીવાના પાણી અને ખેતી ઉપર થતી અસરો વિગેરે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. જળ સમસ્યાના ઉકેલના ભાગરૂપે વિવિધ માધ્યમોથી વરસાદી પાણી રીચાર્જ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં તળાવો ઉંડા કરવા, બંધ કુવા-બોર રીચાર્જ કરવા, ખેત તલાવડીઓ બનાવવી, ચેકડેમ રીપેરીંગ કરવા વિગેરે પ્રવૃત્તિઓ ઉપર પ્રાધાન્ય આપવા જણાવાયું હતું. આ સેમિનારમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પી.એસ. જાડેજા, તાલુકા વિકાસ અધિકારી સેરઠીયા, નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુગરાબેન ગજ્જણ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન જગાભાઈ ચાવડા, બાગાયત વિભાગના લશ્કરી સાથે ખંભાળિયા અને લાલપુર તાલુકાના સરપંચો અને તલાટી-મંત્રીઓ, ગામના આગેવાનો, ખેડૂતો, ભાઈઓ, બહેનો અને કિશોરીઓ તેમજ આ સંસ્થાઓ અને સરકારી વિભાગના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂત ભાઈઓ અને બહેનો તેમજ સરપંચ દ્વારા તેમની સાથે થયેલા સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન કામગીરીનું પણ શેરિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વ્યવસ્થા એ.સી.ટી. સંસ્થાના નોલેજ સેન્ટર ફોર કોસ્ટલ સેલીનીટી ખંભાળિયા સેન્ટરની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મનીષાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!