મહિનાઓ પૂર્વે જ વડાપ્રધાને “સુદર્શન સેતુ”નું કર્યું હતું લોકાર્પણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વધુ એક આગવી ઓળખ સમાન સિગ્નેચર બ્રિજ (સુદર્શન સેતુ)ને થોડા મહિના પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે ખુલ્લો મુક્યો હતો. ત્યારે તાજેતરમાં પ્રથમ વરસાદે આ સિગ્નેચર બ્રિજમાં વ્યાપક ક્ષતિઓ સામે આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાથી બેટ દ્વારકા તરફ જતા દરિયાઈ માર્ગ પર રૂપિયા ૯૭૮ કરોડના ખર્ચે અત્યાધુનિક અને ખૂબ જ સુંદર દેખાતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને સુદર્શન સેતુ નામ અપાયા સાથે આશરે પાંચેક માસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની ખાસિયતો ધરાવતા અને બે તોતિંગ પિલ્લરના ટેકે તૈયાર કરવામાં આવેલા આ કેબલ બ્રિજનું એન્જિનિયરિંગ પણ કાબિલે દાદ હોવાના વખાણ સર્વત્ર કરવામાં આવ્યા હતા. પરંતુ જાણે હાલની પરિસ્થિતિમાં “સોઢા સોનાની થાળીમાં લોઢાની મેખ” જેવું ચિત્ર ખડું થયું છે. આ બ્રિજ પર બે ત્રણ જગ્યાએ નાના-મોટા ગામડા તેમજ પ્લાસ્ટર ઉખડી જવા અને રેલિંગને કાટ લાગવાના ફોટા તેમજ વિડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, રસ્તા પર લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નવા જ બનેલા સુદર્શન સેતુની ગુણવત્તા પર વ્યાપક સવાલો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. થોડા સમય પૂર્વે સુદર્શન સેતુ નજીકની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જવા પામી હતી. ત્યારે તંત્ર દ્વારા પણ આ અંગે જરૂરી રીપેરીંગ તથા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.