ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં માલ ભરવા આવતા ટ્રક ચાલકો સામે ગેરકાયદેસર રીતે રકમ માંગી, દાદાગીરી કરતા બે ડઝન જેટલા શખ્સો સામે ફરિયાદ

0

ખંભાળિયા – જામનગર માર્ગ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં માલસામાન ભરવા આવતા ટ્રકના ડ્રાઇવરો, ક્લીનરો પાસેથી અનધિકૃત રીતે રકમની માંગણી કરી અને ધાક-ધમકીઓ આપી, દાદાગીરી કરતા ૨૩ શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે જામનગર તાલુકાના નાઘેડી ગામે આવેલી માધવ ગ્રીન સોસાયટીમાં રહેતા રણજીતસિંહ સુરુભા મોયા નામના ૪૦ વર્ષના યુવાન દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર જામનગર માર્ગ પર આવેલી નયારા કંપનીના પી.પી. પ્લાનના ગેઈટ પાસે રહીને કંપનીમાં માલ સામાન ભરવા માટે આવતા ટ્રાન્સપોર્ટરો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેવાના ઈરાદાથી કંપની નજીક આવેલા કાઠી દેવળિયા તથા સોઢા તરઘડી વિસ્તારમાં રહેતા અર્જુનસિંહ બહાદુરસિંહ જાડેજા, દિલીપસિંહ કરસનજી જાડેજા, ર્નિમળસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, યુવરાજસિંહ દશરથસિંહ જાડેજા, ભગીરથસિંહ મહિપતસિંહ વાઘેલા, પ્રહલાદસિંહ અજીતસિંહ જાડેજા, પ્રદ્યુમન હનુભા જાડેજા, ઘનશ્યામસિંહ ભગીરથસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા, હનુભા ઉદેસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા, તેજેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, જયદીપસિંહ કારૂભા વાઢેર, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ નવુભા વાઢેર, કેતન કિશોર ખેતીયા, જયદીપ પ્રવીણ ખેતીયા, ધર્મવીરસિંહ પ્રવિણસિંહ વાઢેર, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, સુરપાલસિંહ હનુભા વાઢેર, યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના કુલ ૨૩ શખ્સો દ્વારા નયારા કંપનીના પેટ્રોલ કેમિકલ ગેટ પાસે કંપનીના એરિયામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, નયારા કંપનીમાં માલ સામાન ભરવા આવતા ટ્રાન્સપોર્ટરોના લોકોને ગેરકાયદેસર રીતે રોકવામાં આવતા હતા. આ રીતે આરોપીઓ દ્વારા કંપનીની અંદર માલ ભરવા જવા માટે તેના ડ્રાઇવરો તથા ક્લીનરો રાખવા દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, ટ્રકોને પાર્કિંગમાં પાર્ક કરવા માટે એક ટ્રક દીઠ રૂા.૩,૦૦૦ ની ગેરકાયદેસર રીતે માંગણી કરી અને ફરિયાદી રણજીતસિંહ સુરુભાને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, કંપનીની અંદર માલ ભરવા ગયેલા ચાર ટ્રકોના રૂ. ૧૨,૦૦૦ બળજબરીપૂર્વક કઢાવી લઈ, આરોપી અર્જુનસિંહ બહાદુરસિંહ જાડેજાએ કંપનીમાં માલ ભરવા માટે આવેલા ટ્રાન્સપોર્ટરો વિગેરેને ફોન કરીને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ જાહેર થયું છે. ટ્રાન્સપોર્ટરોને કંપનીમાં માલ ભરવા ટ્રકોમાં તેમના ડ્રાઇવરો તેમજ ક્લીનરો રાખવા અને ટ્રક પાર્ક કરવા માટે એક ટ્રક દીઠ રૂ. ૩,૦૦૦ આપવા અંગેની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવતી હતી. આરોપી દિલીપસિંહ કરસનજી જાડેજાએ પણ ફરિયાદી રણજીતસિંહને ફોન કરી અને ટ્રકો કંપનીમાં ભરવા માટે રૂપિયાની ગેરકાયદેસર માંગણી કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે તમામ ૨૩ શખ્સો સામે ગુનો નોંધી, ૨૨ શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!