દ્વારકા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૩૮ આસામીઓને પોલીસ દ્વારા રકમ પરત અપાવવામાં સફળતા

0

શંકાસ્પદ ફોન કોલ કે મેસેજને અવગણવા પોલીસ વડાની અપીલ

હાલ ટેકનોલોજીના સમયમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ તે અંગેની સાવચેતીના અભાવે વિવિધ કારણોસર લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જેની સામે પોલીસ તંત્ર પણ વધુ સક્રિય અને જાગૃત બની રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ જિલ્લામાં આ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૩૮ આસામીઓને રૂપિયા ૮ લાખ જેટલી રકમ પરત અપાવવામાં સફળતા મળી હોવા સહિતની માહિતી જિલ્લા પોલીસ વડાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ ગઈકાલે શુક્રવારે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકો સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બને છે, ત્યારે બેન્ક એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન ફ્રીઝ કરવામાં આવે છે. હાલ સરકારની નવી પોલીસીના હિસાબે રાજ્યભરમાં કુલ ૨૮,૦૦૦ જેટલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૮ લોકોને તેઓની છેતરપિંડીની રૂ. ૮,૦૦,૦૦૦ જેટલી રકમ પરત અપાવવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે. સાયબર ફ્રોડની ફરિયાદ પરથી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતું હતું તેને અનફ્રીઝ કરવાની કાર્યવાહી પણ હવે સરળ થઈ ગઈ છે. ત્યારે લોકોએ તેઓના મોબાઈલમાં આવતા શંકાસ્પદ કોલ કે મેસેજને અવગણવા તેમજ સાયબર ફ્રોડ સામે સાવચેતી કેળવવા પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!