દ્વારકાના ધ્રેવાડ ગામે મહાકાળી માતાજીનું પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલું છે. સ્થાનીકોની આસ્થાનું પ્રતિક સમા આ પૌરાણિક મંદિરે દર વર્ષે હજારો ભાવિકો મહાકાળીના દર્શનાર્થે આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમ્યાન માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધારે છે. માતાજીના મંદિરે આવેલી અખંડ જયોતમાં આવનારા દરેક ભાવિકો ઘી હોમે છે. રબારી સમુદાયનો વિશાળ વર્ગ મહાકાળી મંદિરમાં વિશેષ આસ્થા ધરાવતો હોય દર વર્ષે હજારો ભાવિકો દર્શનાર્થે આવે છે. દ્વારકાના ગુગળી બ્રાહમણો દ્વારા નવરાત્રિ દરમ્યાન દરરોજ માતાજીનો અલગ અલગ વિશેષ શૃંગાર યોજી લાડ લડાવવામાં આવે છે. ગરમીની ઋતુમાં પુષ્પશૃંગાર સાથે વિવિધ પ્રકારના શૃંગાર મનોરથો યોજવામાં આવે છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા પણ છેલ્લાં વર્ષોમાં આ મંદિર પરિસરમાં યાત્રાળુઓ માટે ગાર્ડન, લોન તેમજ બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.