દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણ પખાળતા ઘૂઘવતા અરબી સમુદ્રનાં તટે કુદરતી વાતાવરણમાં આવેલી ગાયત્રી શકિતપીઠ એક આધ્યાત્મિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની સેવાભાવી સંસ્થા બની રહી છે. જે યજ્ઞ, દર્શન અને સ્વાધ્યાયની પ્રવૃત્તિઓ દ્વારા આત્મ કલ્યાણનું માધ્યમ પણ બની રહી છે. સ્વ. પુરૂષોત્તમ વિશ્રામ માવજી તરફથી મળેલી જમીન પર ગાયત્રી મંદિરનાં નિર્માણ માટે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈના વરદ્ હસ્તે ચોથી એપ્રિલ ૧૯૮૨ ના રોજ ખાત મુહૂર્ત અને ગાયત્રી શકિતપીઠની પ્રાણપ્રતિષ્ઠા ટાટા કેમિકલ્સના ચેરમેન સ્વ. દરબારી શેઠના હસ્તે થઈ હતી. ગાયત્રી પરિવાર ટ્રસ્ટી મંડળનાં સ્વ. મુકુન્દભાઈ એમ. શાહનો પરિવાર મુંબઈથી આ શકિતપીઠનું સંચાલન કરી રહ્યો છે. ગાયત્રી શકિતપીઠમાં ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. મંદિરની બાજુમાં પંચકુંડી યજ્ઞશાળા છે. જયાં નિત્ય હોમ-હવન-યજ્ઞ થતા રહે છે. છેલ્લા વર્ષોમાં વિના મૂલ્યે ટ્યુશન ક્લાસીસ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોનું વિતરણ, સમૂહલગ્ન, યજ્ઞોપવિત તેમજ વ્યકિતગત ધોરણે જન્મદિન, લગ્ન દિનની આધ્યાત્મિક ઊજવણી કે દીપયજ્ઞ વિગેરે પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. વર્ષ ૧૯૯૦ થી આરોગ્યની સેવા, નિઃશુલ્ક આયુર્વેદ દવાખાનું ચાલી રહ્યું છે, જેમાં છેલ્લાં બે દાયકા ઉપરાંતથી જામનગરનાં વૈદ્ય ડો. ડી.પી. મહેતા નિયમિત સેવા આપી રહ્યા છે. અવાર-નવાર નેત્ર નિદાન યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. અદ્યતન સુવિધાવાળો બ્લોક કોમ્પ્લેક્ષ, મુકુન્દલાલ વાટિકા તથા નયનરમ્ય બેઠક વ્યવસ્થા પ્રભાવિત કરે છે. આ સંસ્થા દ્વારકાનું આધ્યાત્મિક નજરાણું છે.