વિદેશના વર્ક વિઝા માટે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્રોફેસર આર.બી. ઝાલાએ કરેલી ભલામણથી ૯ ગરીબ અરજદારોએ ૨૨ લાખ રૂપિયા ગુમાવ્યા

0

પ્રોે. ઝાલાએ જે એજન્ટની ભલામણ કરી હતી તે લાખો રૂપિયા લઈને ફરાર : ભોગ બનેલાઓએ પોલીસમાં ફરિયાદ કરી

અમદાવાદના લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજે રાજકોટ અને સૌરાષ્ટ્રના ૯ વિદ્યાર્થી પાસેથી અઢી-અઢી લાખ એમ કુલ ૨૨.૫૦ લાખની રકમ છેતરપિંડી કરીને ભાગી ગયાની પોલીસમાં છાત્રોએ અરજી કરી છે. થોડા સમય પહેલાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં કોઈ સેમિનાર કરવાના બહાને આ ભેજાબાજ અંગ્રેજી ભવનના પ્રોફેસર રવિ ઝાલાનો પરિચિત બન્યો હતો. બાદમાં પ્રોફેસર રવિ ઝાલાની ભલામણથી ૯ વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અઢી-અઢી લાખની રકમ ચેકથી આપી હતી. બાદમાં આ એજન્ટ બધાના પૈસા લઈને ભાગી ગયો હતો. વિદ્યાર્થીઓએ અમદાવાદના તેના નિવાસ સ્થાને તપાસ કરતા ત્યાં કોઈ રહેતું નહીં હોવાનું ખુલ્યું હતું તેથી આ વ્યક્તિએ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી હોવાની ઉના અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ઉના તાલુકાના ખાપટ ગામના પ્રકાશભાઈ ગોવિંદભાઈ ઝાલા, મયુરભાઈ કાળુભાઈ ચૌહાણ, માનસીંગભાઈ બચુભાઈ ચૌહાણ અને જયરાજ સુનિલભાઈ ઝણકાટે ઉના પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓ ચારેય રવેસિંગભાઈ બાલુભાઈ ઝાલાના માધ્યમથી લોયડ જોસેફ રોજારિયો નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. લોયડ દ્વારા અમને સ્કીમ બતાવવામાં આવી હતી કે જો તમે ખેડૂત ખાતેદાર હોય તો ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકિંગની જોબ કરી નાણાં કમાવવાની ઉજળી તક ઉભી થઈ છે. આ સ્કીમ પસંદ પડતા અમે રસ દાખવ્યો, તા.૪-૬-૨૦૨૨ના એગ્રીમેન્ટ મુજબ અમદાવાદના બોડકદેવ, વેસ્ટર્ન પાર્કમાં રહેતા લોયડ જોસેફે પોતાના સંપર્કથી ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકર તરીકેની જોબ અપાવશે તેવી બાંહેધરી આપી હતી. તેના બેંક ખાતામાં અમે ચારેય વ્યક્તિએ અઢી અઢી લાખ એમ કુલ ૧૦ લાખ જમા કરાવ્યા હતા. વ્યિક્તિ દીઠ અઢી લાખ રૂપિયા પરત કરવાની સમય મર્યાદા એગ્રીમેન્ટની શરત મુજબ ૧૪ મહિના હતી જે પુરી થઈ ગઈ અને ત્યારબાદ તેનો નંબર બંધ આવે છે. એવી જ રીતે રાજકોટના પાંચ વિદ્યાર્થી રવિ સોલંકી, ભાવેશ રાજાણી, શૈલેન્દ્રસિંહ ઝાલા, જયદીપ સંઘાણી અને અજય ગોધાણીએ પણ અંગ્રેજી ભવનના પ્રોફેસર રવિ ઝાલાના કહેવાથી લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજને ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અઢી અઢી લાખ એમ કુલ ૧૨.૫૦ લાખ આપ્યા હતા. પરંતુ તેણે છેતરપીંડી કરી હોવાની પોલીસમાં અરજી કરી છે. આ વિદેશી ભેજાબાજે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના અંગ્રેજી ભવન અને શૈક્ષિક સંઘ સાથે જોડાયેલા પ્રોફેસરની મદદથી વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. લોયડ હવે ફોન ઉઠાવતો નથી, અમદાવાદના તેના સરનામે કોઈ રહેતું નથી અને શૈક્ષિક સંઘના આ પ્રોફેસરે પણ હાથ ઊંચા કરી દેતા ૯ જેટલા વિદ્યાર્થીએ ૨૨.૫૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત પોલીસ આ બાબતે તપાસ કરે અને ભોગ બનેલાઓને નાણાં પરત અપાવે તેવી પોલીસ ફરિયાદ કરનારા અરજદારોની માંગણી છે. પોલીસ ફરિયાદ કરનાર ન્યાય અપાવવા સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી અંગ્રેજી ભવનના વડા પ્રો. આર. બી. ઝાલા અને શૈક્ષિક સંઘના પ્રમુખ પ્રો. કમલ મહેતા આગળ આવે તે જરૂરી છે. સમગ્ર પ્રકરણમાં પ્રો. કમલ મહેતાના પ્રખર ટેકેદાર પ્રો. આર. બી. ઝાલાની ભૂમિકા ખૂબજ મહત્ત્વની છે. પ્રો. ઝાલા આ ચિટરને સાથે લઈને અને ગીર સોમનાથ જિલ્લામાં ઉના પાસે આવેલ પોતાના માદરે વતન ખાપટ ગામમાં રાજકોટથી પહોંચ્યા હતાં અને તેની ભલામણથી ખાપટ ગામના ખૂબજ ગરીબ પરિવારના સભ્યોએને વિદેશના સપના બતાવી શીશામાં ઉતાર્યા હતા. ભોગ બનેલા પૈકી કોઈ લોઈડ ને ઓળખતા ન હતા પરંતુ અંગ્રેજી ભવનના વડા પ્રો. આર. બી. ઝાલાની ભલામણને કારણે છેતરાયા છે. રાજકોટ યુનિવસિર્ટી પોલીસ મથક અને ઉના તાલુકા પોલીસ મથક ના અધિકારીઓ આ બાબતે તપાસ હાથ ધરી ભોગ બનેલાના નાણાં પરત આપાવે તેવી ભોગ બનેલા તમામ લોકોના પરિવારની માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રો. આર. બી. ઝાલા સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી અંગ્રેજી ભાષા ભવનમાં અધ્યાપક તરીકે જોડાયા એ પહેલાં વેરાવળ સોમનાથ ખાતે કારડીયા રાજપુત સોશિયલ ગ્રુપ ચલાવતા હતા. આ ઉપરાંત ઝાલા એ. બી. વી. પી. અને શૈક્ષિક સંઘ ના પણ આગેવાન છે.પ્રો. ઝાલા જેવા વગદાર અધ્યાપકની લોઈડને મદદ મળતાં તે લોકોને લૂંટવાના મિશનમાં આસાનીથી સફળ થયો હતો.

error: Content is protected !!