જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિકોને જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ : ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાનો તા.૧૨મી નવેમ્બરથી પ્રારંભ થશે : ભાવિકોને પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે ન લાવવા અનુરોધ : ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ આપી સૂચના : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ સંભાળનાર અધિકારીઓને સ્થળ મુલાકાત કરી જરૂરી આયોજન હાથ ધરવા નિર્દેશ : ધામિર્ક મહત્વ મુજબ નિયત સમયે ગિરનાર લીલી પરિક્રમા શરૂ કરવા અનુરોધ
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમા તા.૧૨ નવેમ્બરના રોજ પ્રારંભ થશે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવિકોને ગિરનાર લીલી પરિક્રમાના ધામિર્ક મહત્વ મુજબ નિયત સમયે અને તિથિએ પરિક્રમા શરૂ કરવા ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા દરમ્યાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને અધિકારીઓને જિલ્લા કલેકટરએ સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણીનીઘોડીએ ભાવિકોના થતા ઘસારાને ધ્યાન રાખી વીજળી પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ ગિરનાર લીલી પરિક્રમા દરમ્યાન ફરજ ઉપરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી દિવાળીના તહેવાર પૂર્વે જરૂરી આયોજન કરવા આપ્યા હતાં. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, ર્પાકિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરએ સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. પર્યાવરણ જાળવણી માટે સેવાકીય સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.