સોમનાથ ખાતે તાજેતરમાં વિવિધ મુદ્દાઓ અંગે ત્રણ દિવસની ચિંતન શિબિરનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રીઓ તેમજ નેતાઓ ઉપરાંત સચિવો અને વિવિધ વિભાગના વડાઓ ઉપરાંત જુદા જુદા જિલ્લાના કલેકટરો વિગેરેની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં રવિવારે છેલ્લા દિવસે મુખ્યમંત્રી તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીના સમયગાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ૨૦ આઈ.એ.એસ. અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર તરીકે વ્યક્તિગત રૂા.૫૧,૦૦૦ તેમજ આ અધિકારીઓ તથા તેમના જિલ્લાને વિકાસ કાર્યો માટે ખાસ ગ્રાન્ટના કિસ્સામાં રૂપિયા ૪૦ લાખ અધિકારી એવોર્ડ દીઠ આપવામાં આવ્યા હતા. જેમાં દ્વારકા જિલ્લાના બે અધિકારીઓની પસંદગી થવા પામી છે. કોરોનાના સમયગાળા બાદ વર્ષ ૨૦૨૧-૨૨ ના શ્રેષ્ઠ કલેકટરનો એવોર્ડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તત્કાલીન જિલ્લા કલેકટર અને હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એમ.એ. પંડ્યાને તથા ૨૦૨૧-૨૨ માં દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા ડી.જે. જાડેજાને પણ કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત થોડા સમય પૂર્વે અહીંના ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વલસાડ જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત રહી, નિવૃત્ત થયેલા આઈ.એ.એસ. અધિકારી તેમજ હાલ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલને પણ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીને પણ એવોર્ડ એનાયત કરાયો છે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે દ્વારકાના બે પૂર્વ આઈ.એ.એસ. અધિકારીને શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મયોગી એવોર્ડ મળતા રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને રૂપિયા ૮૦ લાખની માતબર રકમ સ્પેશિયલ ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવી છે.