15 વર્ષની ઉંમરે આંખમાં લોખંડની ખીલી વાગતા દ્રષ્ટિ ચાલી ગઈ હતી –
ખંભાળિયામાં રહેતા એક વૃદ્ધની આંખમાંથી 15 વર્ષની વયે અકસ્માતે દ્રષ્ટિ ચાલી ગયા બાદ અથાગ પ્રયત્નો પછી અહીંની સરકારી હોસ્પિટલના નિષ્ણાંત તબીબની જહેમતથી 50 વર્ષ બાદ તેમની દ્રષ્ટિ પુનઃ મળી છે.
આધુનિક વિજ્ઞાન સાથે નિષ્ઠાના જીવંત ઉદાહરણની આ વિગત એવી છે કે ખંભાળિયામાં રહેતા મોહનભાઈ કણજારીયા નામના એક વ્યક્તિ 15 વર્ષની ઉંમરના હતા, ત્યારે તેમને આંખમાં લોખંડની ખીલી લાગી હતી. જે ખીલીથી આંખની કીકી ચિરાઈ ગઈ હતી અને તેમને દેખાવાનું બંધ થઈ ગયું હતું. આ પછી તેમણે જે-તે સમયે જામનગરની જાણીતી એવી ઇરવિન હોસ્પિટલ (હાલની જી.જી. હોસ્પિટલ) માં જઈ, અને બે વખત ઓપરેશન કરાવી, પોતાની દ્રષ્ટિ પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ નિવડતા ડોક્ટરોએ મંતવ્ય આપ્યું હતું કે હવે કદી તમારી દ્રષ્ટિ પાછી નહીં આવે. જેથી તેઓ નિરાશ થઈ ગયા હતા.
આ બનાવને હાલ 50 વર્ષ વીતી ચૂક્યા છે. ત્યારે મોહનભાઈ ખંભાળિયાની સરકારી હોસ્પિટલના આંખના નિષ્ણાત ડોક્ટર ઉત્સવ એચ. પડીયાના નિદાન – સારવારની બાબત જાણી અને તેમનો સંપર્ક કર્યો હતો. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આંખના સર્જન ડો. ઉત્સવ પડીયાએ તમામ રિપોર્ટ તેમજ અન્ય બાબતોને ચકાસીને આ જટિલ ઓપરેશન અહિંની સિવિલ હોસ્પિટલમાં જ કરવાની તૈયારી દર્શાવી હતી.
ત્યાર પછી અહીં તેમણે લાંબા સમયની સર્જરી બાદ આ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન કર્યું હતું અને મોહનભાઈને તેમની ચાલી ગયેલી આંખની દ્રષ્ટિ પરત મળી હતી. આમ, ખરા હાથમાં ડોક્ટરે ભગવાન બનીને આંખની આ કઠિન સારવાર સફળતાપૂર્વક કરતા મોહનભાઈ તેમજ તેમના પરિવારજનોએ ડોક્ટર પડીયા તેમજ હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.