જીલ્લા કલેકટરએ યોજેલ ખાસ ડ્રાઈવમાં એક જ દિવસમાં ૩.૩૯ લાખનો સરકારી અનાજનો મુદામાલ ઝડપી પાડયો : ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે થતું હોવાનો ઘટસ્ફોટ થયો
ગીર સોમનાથમાં સરકારી અનાજ સગેવગે કરતા અનાજ માફીયાઓને ડામી દેવા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મેગા ડ્રાઇવ હાથ ધરી જીલ્લાના ત્રણ તાલુકાઓમાં આઠ જેટલા સ્થળોએ દરોડા પાડી આઠ અનાજ માફીયાઓ પાસેથી રૂા.૩.૩૯ લાખનો મુદામાલ સીઝ કર્યો છે. આ કાર્યવાહીમાં તાલાલા, કોડીનાર તથા સુત્રાપાડા તાલુકાઓમાંથી ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લાના જુદા જુદા તાલુકાઓ માં સરકારી અનાજ સગેવગે થતુ હોવાની ફરીયાદોના આધારે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન કરી અનાજ માફીયાઓને દબોચી લેવા આદેશ કર્યો હતો. જેને લઈ એક દિવસમાં તાલાલા, કોડીનાર તથા સુત્રાપાડા તાલુકામાંથી ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે કરતા આઠ જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં સુત્રાપાડામાંથી બે શખ્સોને રૂા.૬૯,૮૧૦ નો મુદામાલ સાથે, કોડીનારમાંથી પાંચ શખ્સોને રૂા.૧,૮૭,૭૦૫ નો મુદામાલ તથા તાલાલાના રાઈડી ગામેથી એક શખ્સને રૂા.૮૧,૬૨૫ ના મુદામાલ સાથે ઝડપી લઈ તમામ મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા અનાજ માફીયાઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. આ કાર્યવાહી અંગે જીલ્લા કલેકટર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે, સરકારી રાશનનું જાે કોઇ વ્યકતી દ્વારા ડાયવર્ઝન કરવાના પ્રયાસો કરવામાં આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકારી અનાજનો લાભ મેળવતા લાભાર્થીઓ જાે આ પ્રકારની પ્રવૃત્તીમાં જાેડાયેલા જણાશે તો તેઓના રાશન કાર્ડમાં મળતા સરકારી લાભ તુરંત બંધ કરી દેવાશે. અત્રે નોંધનીય છે કે, જીલ્લા કલેકટર અનાજ માફીયાઓને જડમૂળમાંથી ડામી દેવા કડક કાર્યવાહી કરી રહ્યા છે. તેવા સમયે પ્રાંચી વિસ્તારનો એક શખ્સ કે જે અગાઉ પણ કલેકટરની કાર્યવાહી હડફેટે ચડી ગયો હોવા છતાં હજુ પણ છાને ખુણે સરકારી અનાજ સગેવગે કરવાની પોતાની પ્રવૃત્તિ કરી રહ્યો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ શખ્સ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.