માંગરોળમાં વેરાવળ રોડ ઉપર આવેલા ભંગારના ડેલામાં ગઈકાલે સવારે આગ ભભૂકી ઉઠી હતી. તંત્ર અને સ્થાનિક લોકોની અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ વધુ પ્રસરી હોત તો તદન નજીક આવેલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીની સેંકડો ગુણીઓ બળીને ખાક થઈ જવાની ભીતિ હતી. સંભવિત જાેખમ ટળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. માંગરોળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની પાછળના ભાગે આવેલ ઉધોગ નગરમાં ભંગારના ડેલામાં સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની મિનિટોમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં મામલતદાર, ચિફ ઓફીસર, પીજીવીસીએલ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાબડતોબ ન.પા.ના મિની ફાઈટર, વોટર ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી કર્મચારીઓની ટીમ તેમજ સ્થાનિકોએ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગને કાબુમાં લેવા કેશોદ ન.પા.માંથી પણ ફાયર ફાઈટર મંગાવાયુ હતું. આગ કંપાઉન્ડની બહાર પ્રસરી હોત તો યાર્ડમાં ઉગી નિકળેલા અને સુકાઈ ગયેલા ઘાસ તેમજ વૃક્ષો લપેટમાં આવવાની શક્યતા હતી. પરિણામે જાે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલી ગોડાઉનમાં રહેલી મગફળીની ગુણીઓ ભસ્મીભૂત થવાની અને મોટું નુક્સાન થવાની ભીતિ હતી. જાે કે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી જતા જાેખમ ટળ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તબક્કે શોક સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે?. આગથી લાખોના નુકશાનના અંદાજ લગાવાઈ રહ્યો છે.