લાંબા સમયથી ત્રસ્ત વાહનચાલકો તથા લોકો માટે પગલું
ખંભાળિયા શહેરની પાદરમાં આવેલા ખામનાથ મહાદેવ મંદિર પાસે આવેલો ખામનાથ પુલ કે જે કેનેડી બ્રિજ તરીકે ઓળખાય છે, આ પુલ જૂનો અને જર્જરીત બની જતા તંત્ર દ્વારા ઘણા સમય પૂર્વે આ પુલના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેતા આ વિસ્તારમાંથી અવર-જવર માટે લોકોને સાત-આઠ કિલોમીટર લાંબી પ્રદક્ષિણા કરવી પડતી હોય, આગામી દિવસોમાં નદીના પટ વિસ્તારમાંથી કામ ચલાઉ ધોરણે પાકો રસ્તો બનાવવા માટે રૂ. ૯૦ લાખના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયા શહેરમાંથી રામનગર, ભાણવડ, પોરબંદર વિગેરે તરફ જવા માટે ખામનાથ મંદિર નજીક આશરે ૧૨૦ વર્ષ જૂનો રજવાડાના સમયનો ખામનાથ પુલ (કેનેડી બ્રિજ) આવેલો છે. સમય જતા ખખડી ગયેલા આ પુલને સાવચેતીના પગલાં રૂપે વાહન ચાલકો તેમજ લોકોની અવાર-જવર માટે તંત્ર દ્વારા આશરે નવેક માસ પૂર્વે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ પુલ બંધ થઈ જતા જુદા જુદા વિસ્તારોમાં અવાર-જવર કરતા લોકોને સાત-આઠ કિલોમીટરની પ્રદક્ષિણા કરવી પડતી હોય, આ મુદ્દે આવેદનપત્ર આપવા સહિતની માંગણીઓ તંત્ર સમક્ષ કરવામાં આવી હતી. આ વચ્ચે નદીના પટમાંથી કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે ધોવાઈ જતા લોકોની સમસ્યા “જૈસે થે” બની રહી હતી. આ મુદ્દે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને કરવામાં આવેલી રજૂઆત બાદ નદીના પટ વિસ્તારમાંથી મજબૂત ડાઈવર્ઝન બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પછી પુલની નજીક નદીના પટ વિસ્તારમાંથી રૂપિયા ૯૦ લાખના ખર્ચે સુવ્યવસ્થિત રીતે ડાઈવર્ઝન બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. કરોડ રૂપિયાના ખર્ચે બનનારા કેનેડી બ્રિજની કામગીરી હાલ સંપૂર્ણપણે અધ્ધરતાલ છે અને આ પુલ બનવામાં લાંબો સમય નીકળી જાય તેવી પૂરી શક્યતા છે. જે વચ્ચે ડામર રોડ સાથેનું આ પાકુ ડાઈવર્ઝન આગામી દિવસોમાં બની જશે. જેથી અહીંથી જુદા-જુદા વિસ્તારમાં અવર-જવર કરતા રહીશો તથા વાહન ચાલકોને રાહત બની રહેશે.