આર્મી અધિકારીની ઓળખ આપી, છેતરપિંડી આચરતા મથુરાના બે શખ્સોને ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ

0

દ્વારકાની હોટલોના નામની ફેક વેબસાઈટ બનાવી, આચર્યો હતો ફ્રોડ

દેવભૂમિ દ્વારકાની જાણીતી હોટેલોના નામની ફેક વેબસાઈટ બનાવી અને ગૂગલ મારફતે અપલોડ કરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરવાના અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે. આવા પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને દબોચી લીધા હતા. આ પ્રકારના વધુ એક ફ્રોડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે મથુરા (યુ.પી.)ના બે મુસ્લિમ શખ્સોને દબોચી લઈને સિલસિલા બંધ વિગતો મેળવી છે. દ્વારકામાં રહેતા અને એક હોટેલના સંચાલકની હોટેલના નામની સ્પોન્સર્ડ ગૂગલ એડ અને ફેક વેબસાઈટ બનાવીને તેમાં કોઈ ગઠિયાઓએ પોતાના મોબાઈલ નંબર નાખીને અહીં, આવતા દર્શનાર્થીઓ, યાત્રાળુઓ સાથે રૂમ બુકિંગના નામે નાણા પડાવીને છેતરપિંડી આચરવામાં આવતા ઉપરોક્ત આસામી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે આઈ.ટી. એક્ટ સહિતની કલમ હેઠળ વિવિધ દિશાઓમાં તપાસ આદરી હતી. આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ટેકનીકલ બાબતો એકત્ર કરી, આ અંગે કરવામાં આવેલા એનાલિસિસમાં મેવાતી ગેંગના સભ્યો અંગે માહિતી મેળવવામાં આવી હતી. જેથી આરોપીઓ દ્વારા જે-તે વેબસાઈટમાં રાખવામાં આવેલા મોબાઈલ નંબર સહિતની બાબતોને ધ્યાને લઈ અને આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાના ગોવર્ધન તાલુકાના રહીશ અજરુદ્દીન ફોજદાર મેવ અને નસીબ વસરુદ્દીન ઉર્ફે મગર મેવ નામના બે શખ્સોને દબોચી લેવામાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા સાંપળી હતી. ઝડપાયેલા બંને શખ્સોને પોલીસ દ્વારા કરવામાં આવેલી આકરી પૂછપરછમાં આરોપીઓ દ્વારા અગાઉ ઓ.એલ.એક્સ.માં બનાવટી ચીજ વસ્તુઓ ઓછી કિંમતમાં રાખી, તેમાં જાહેરાત મુકતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ તેઓનો સંપર્ક કરે તો પોતે આર્મી અધિકારીની ઓળખ આપતો અને જે-તે આસામીને પોતાની બદલી થયેલી હોવાથી વસ્તુઓ ઓછા ભાવે વેચવાની છે તે બાબત અંગે વિશ્વાસમાં લઈ લેતા હતા. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા આર્મી ગેટ પાસ કસ્ટમ ચાર્જ વિગેરેના બહાના હેઠળ નાણા પડાવવામાં આવતા હતા. આ પ્રકારે આરોપીઓ દ્વારા અગાઉ આશરે રૂપિયા સવા લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની કબુલાત પણ પોપટ બનીને પોલીસ સમક્ષ આપવામાં આવી હતી. દ્વારકામાં ફેક વેબસાઈટના ગુનામાં પણ આરોપીઓએ મૂળ હોટેલની મૂળ વેબસાઈટ જેવી આબેહૂબ દેખાતી વેબસાઈટમાં પોતાના નંબર રાખવામાં આવ્યા હતા અને આરોપી અને સહઆરોપીના કહેવા મુજબ પોતાને હોટેલના માલિક અને મેનેજર તરીકેની ઓળખાણ આપીને લોકો સાથે વાતચીત કરી, હોટેલના રૂમ અને ફોટા દર્શાવીને બુકિંગ સંદર્ભે વિશ્વાસમાં લઈ લેવામાં આવતા હતા. આ રીતે રૂમ બુકિંગ એડવાન્સ નાણા મેળવી અને ફ્રોડ આચરવામાં આવતું હતું. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા પ્રથમ બુકિંગ મેળવ્યા બાદ કન્ફર્મ કોડ આપવાના બહાને વધુને વધુ નાણા પાડવામાં આવતા હતા. ઉપરોક્ત આરોપીઓ મેવાતી ગેંગના સભ્યો હોવાનું તેમજ આ ચીટર ટોળકી દ્વારા સમગ્ર દેશના જુદા જુદા ધાર્મિક તેમજ પ્રવાસ સ્થળોની હોટેલને ટાર્ગેટ કરી અને ફેક રૂમ બુકિંગના માધ્યમથી મોટા પ્રમાણમાં લોકોને ખંખેર્યા છે. જેથી હાલ આ મેવાતી ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ, મુકેશભાઈ, ભરતભાઈ, અલકાબેન અને અજયભાઈ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!