શહેરથી દૂર બનનારા ફાયર સ્ટેશન બાબતે ઉઠતા સવાલો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાનું અને આધુનિક ફાયર સ્ટેશન હાલ અનિવાર્ય બની રહ્યું હોય, થોડા સમય પૂર્વે ખંભાળિયા માટેના આ ફાયર સ્ટેશન અંગેનું ટેન્ડરિંગ કામ સંપન્ન થઈ ચૂક્યું છે. ત્યારે અહીંના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં બનાવવાનું નક્કી થયેલું ફાયર સ્ટેશનનું હવે ક્યારે શરૂ થશે તે બાબતની રાહ લોકો જાેઈ રહ્યા છે. ખંભાળિયામાં જિલ્લા કક્ષાનું આધુનિક સ્ટેશન અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલી આર.ટી.ઓ. કચેરી નજીક કરવાનું મંજૂર થયું છે. જે અંગેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે અને કામ શરૂ કરવાનો હુકમ પણ અપાઈ ગયો છે. તેમ છતાં પણ કોઈ કારણોસર આ કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી. ત્યારે તેની ભૂમિ પૂજનની રાહ ઘણા સમયથી જાેવાઈ રહી છે. ખંભાળિયા શહેર નજીકના એક છેવાડે આરટીઓ નજીક જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનવાનું છે. આ ફાયર સ્ટેશન સમગ્ર જિલ્લામાં ઉપયોગમાં આવી શકશે. પરંતુ આ ફાયર સ્ટેશન શહેરથી એટલું દૂર બનશે કે ગામમાંથી જેમ તેમ કરીને પસાર થતું ફાયર ફાયટર ગીચ માર્ગો તેમજ ફાટકમાંથી અટવાઈને આગની ઘટનાના સ્થળે પહોંચતા ખૂબ જ લાંબો સમય નીકળી જાય તેવી સંભાવનાઓ જાેવા મળી રહી છે. અત્યારે ખંભાળિયા શહેરને સંલગ્ન અનેક સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન આટલું દૂર અને માર્ગમાં રેલવે ફાટક પણ નળતરરૂપ બને તેવી જગ્યાએ શા માટે બનાવવામાં આવી રહ્યું છે? તેવા પ્રશ્નો સાથે ક્યારેક ખૂબ જ ઈમરજન્સીના સમયમાં આ ફાયર ફાઈટર કામ આવશે કે કેમ? તેવો પ્રશ્ન પણ લોકોમાં પુછાય રહ્યો છે. ખંભાળિયા શહેર વિસ્તારમાં ચાલતા કામો, મંજૂર થયેલા કામો અવારનવાર ટલ્લે ચડે છે. ત્યારે સ્થાનિક હોદ્દેદારો, નેતાઓ અને આગેવાનો વચ્ચે સંકલન ન હોવાથી તેનો ભોગ પ્રજાને બનવું પડે છે.