ધાંગધ્રા તાલુકાનાં દુદાપુર ગામના વાડી વિસ્તારની પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી જીવન રક્ષક બનતી “૧૦૮ ઈમરજન્સી સેવા”

0

ધ્રાંગધ્રા તાલુકાનાં દુદાપુર ગામના વાડી વિસ્તારમાં રહેતાં પ્રસુતા મનીષાબેનને અચાનક પ્રસવ પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની રીંગ રણકતા જ ગણતરીની મિનિટોમાં જ ૧૦૮ની માલવણ ટીમના ઈએમટી પંકજ પરમાર પાયલોટ ઘનશ્યામભાઈ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રસૂતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રસૂતાને વધારે દુઃખાવો ઉપાડતા ૧૦૮ સાઈડમાં જ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી હતી. વધુ સારવાર અર્થે આ મહિલાને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર ૧૦૮ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા ૧૦૮ની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦૮ સેવા દ્વારા અનેકવાર પ્રસુતા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. જે પ્રસુતા માતા મૃત્યદર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ૧૦૮ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની પ્રસુતા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. તથા જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવે છે. આ રીતે ખરા અર્થમાં ૧૦૮ની ઈમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ગરજ સારવાની પણ ભૂમિકા ભજવી રહી છે.

error: Content is protected !!