બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના મુદ્દે માંગરોળમાં સમસ્ત હિન્દુ સમાજે રેલી યોજી મામલતદારને રોષપૂર્ણ આવેદનપત્ર પાઠવ્યું હતું. શહેરના સેક્રેટરી રોડ પાસે બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા બાદ “બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓને બચાવો”, “હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો મુદ્દે દુનિયાના માનવ અધિકાર સંગઠન ચુપ કેમ છે ?” સહિતના બેનરો સાથે જુના બસ સ્ટેન્ડ, લીમડા ચોક, જેઈલ રોડથી થઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે શેખ હસીના સરકારને આલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુઓ ઉપર અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓ વધી છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ શરમજનક છે. નાગરીકોની રક્ષા કરવી સરકારની જવાબદારી છે. અત્યાચારોના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ ઉપર અત્યાચારો કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાયા છે. જે અમાનવીય કૃત્ય છે. ત્યારે હિન્દુઓ ઉપર થતા અત્યાચારો બંધ કરવા તથા ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવા માંગણી કરવામાં આવી છે.