છેવાડાના નાગરિકોને તમામ સ્તરની યોજનાલક્ષી લાભો ઘરઆંગણે પહોંચાડી સુશાસનનો મંત્ર સાર્થક કરતી રાજ્ય સરકાર
દર વર્ષે નાગરિકો માટે અતિ મહત્ત્વનો દિવસ એટલે સુશાસન દિવસ. નાગરિક સુખાકારી માટે શાસન વ્યવસ્થામાં આદર્શ વાતાવરણ ઉત્પન્ન થાય અને જળવાય તે માટે ભારતના રત્ન સમા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ૨૦૧૪થી સુશાસન દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. સુશાસન માટે લોકશાહીમાં મુખ્યત્વે લોકભાગીદારી, કાયદાનું શાસન, સર્વસંમતીલક્ષી કામગીરી, જવાબદેહિતા, સર્વની સમાન સમાવેશિતા જરૂરી છે. તમામ નાગરિકોને કોઈ અગવડ ના પડે તેના વ્યવસ્થાપન માટે ગુડ ગવર્નન્સનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જે માટે જિલ્લા કક્ષાએ કલેકટર,નગરરચના નિયામક અધિકારી અને પદાધિકારીઓ સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિ જેમાં, ધારાસભ્યો સાંસદ સભ્યોની ટીમનું શ્રેષ્ઠ સંચાલન હોવાના કારણે દરેક પ્રશ્નોનું ખૂબ સરળતાથી નિરાકરણ મળી શકે છે. રાજકોટ જિલ્લામાં તેમજ ગુજરાતભરમાં ગ્રામ્ય તેમજ તાલુકા પંચાયતોમાં હવે ડિજિટલ કામગીરી કરવામાં આવી રહી છે, જેના દ્વારા સરકારી પત્ર વ્યવહારોમાં સરળતા અને આધુનિકતા દ્વારા ઈ-સરકારની કામગીરી કરાઈ, જે ડીજીટલાઈઝેશનનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. કાયદા વ્યવસ્થા અંગે દરેક નાગરિક પોતાના પ્રશ્નો વ્યક્ત કરી શકે તેવી વ્યવસ્થાઓ પણ સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. આજે દરેક ગામ, શહેર સ્વચ્છ બને તે અર્થે સ્વચ્છતાનો પ્રશ્ન દૂર કરવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેનાથી દરેક ગામ શહેર અને તમામ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે લોકો જાગૃત થઇ રહ્યા છે. જાે પ્રાથમિક વ્યવસ્થાના ક્ષેત્રે વાત થાય તો વિવિધ રોડ રસ્તાઓના વિકાસ કામ, સૌની યોજનાથી સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન ભૂતકાળ બની ચૂક્યો છે, તો “નલ સે જલ” દ્વારા આજે ઘરે ઘરે પાણી પહોંચતું થયું છે. યુવાનો માટે રોજગાર મેળાઓ તેમજ નાગરિકોના રહેઠાણ માટે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો માટે પણ સરકાર દ્વારા વિવિધ આવાસો જેમાં રૂડા, આરએમસી સંસ્થાઓ થકી ખૂબ જ વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ સુવિધા અને રહેવા માટે આદર્શ ઘર સરકાર દ્વારા બનાવવામાં આવે છે. લોકો માટે સતત કાર્યરત અને તેમના પ્રશ્નોને વાચા આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણના કાર્યક્રમો, લોક દરબારો, સેવા સેતુ જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, આ ઝુંબેશ થકી અનેકવિધ યોજનાઓ અંગે લોકોમાં ઘરે ઘરે જનજાગૃતિ ફેલાય અને તમામ યોજનાઓની ૧૦૦% સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા અને જનભાગીદારીની ભાવના કેળવવાનો હેતુ છે. પીએમ સ્વનિધી યોજના, આરોગ્યને પ્રાથમિકતા આપીને આયુષ્માન કાર્ડ, જેવી અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે જેમાં આભા કાર્ડ તો બસ ૫ મિનિટમાં જનતા પોતાના મોબાઇલ દ્વારા ઘર બેઠા તૈયાર કરી શકે છે. આવી યોજનાઓ જનજનની સમાવેશિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તદઉપરાંત ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ દરેક ક્ષેત્રમાં કરવામાં આવે છે જેથી ઝડપી કામો પૂર્ણ થાય. છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ અને યોજનાઓનો લાભ પહોંચે અને વધુ ને વધુ લોકો તેનો લાભ લે તે માટે વિવિધ રીતે અપીલ પણ કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં યોજનાઓનો લાભ લોકો લેતા થયા છે. સાથે સાથે ઉદ્યોગને વિકસાવવા માટે પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે જેના કારણે ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગને નવી દિશા આપવામાં અને દેશ- વિદેશથી વિવિધ ઉદ્યોગકારોને પણ આમંત્રિત કરીને એમઓયુ કરી સાથોસાથ પોતાના વ્યવસાયને યોજનાકીય લાભથી વિકસાવવામાં સહયોગ પણ પૂરો પાડી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારે વિઝન ફોર ઇન્ડિયા – ૨૦૪૭ની સફળતા માટે ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી લોકભોગ્ય વહીવટ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે ‘મીનીમમ ગવર્ન્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ની થીયરીને અમલમાં મૂકી તમામ વિભાગો ગામડાંઓના વિકાસ તરફ વિશેષ ધ્યાન આપે અને ગામડાંઓમાં આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ડીજીટલ સેવાસેતુ, ગ્રામસભા-રાત્રિસભા સહિતની પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વિવિધ સરકારી વિભાગો કામગીરીમાં પારદર્શિતા લાવીને તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા વિચારો થકી નવા કાર્યોનું અમલીકરણ પ્રજા કલ્યાણ માટે થઇ રહ્યું છે. નાગરિકોને તમામ સ્તરે યોજનાલક્ષી લાભો ઘરઆંગણે પહોંચાડી છેવાડાના માનવી સુધી રાજય સરકાર સુશાસન પહોંચાડી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીજીના સ્વપ્નને સાકાર કરી રહી છે. જેથી જન જનની સમાવેશિતા અને સર્વના વિકાસને ઉજવવાનું પર્વ બન્યું છે આ સુશાસન દિવસ.