વાણંદ યુવકે દુકાન લેવા અને મકાન બનાવવા વ્યાજે લીધેલ 69.50 લાખની સામે 92.50 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી : વ્યાજના વિષચક્રમાં ફસાયેલ યુવકે આત્મહત્યા કરે તે પહેલાં પોલીસ પાસે પહોચી જતા જીવ બચી ગયો
વેરાવળમાં વાણંદ કામ કરતા યુવકે દુકાન અને મકાન લેવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી ચાર વર્ષ દરમ્યાન 11 વ્યાજખોરો પાસેથી કટકે કટકે રૂ.69.50 લાખની રકમ વ્યાજે લીધેલ જેની સામે મુદલ સહિત રૂ.92.50 લાખની રકમ ચુકવી દીધી હતી. તેમ છતાં વ્યાજખોરો દુકાને આવીને પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાથી વાણંદ યુવક પોલીસના શરણે પહોંચ્યો હતો. ત્યારે સમગ્ર હક્કીત જાણીને પ્રથમ વખત પોલીસે એકી સાથે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી સાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકીના ચારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળમાં કલબ રોડ ઉપર વાણંદની દુકાન ચલાવતા રજનીકાંત માવદિયાએ 2019 માં દુકાન લેવા માટે વ્યાજે પૈસા અમુક વ્યક્તિઓ પાસેથી લીધેલ તેમજ 2020 માં મકાન બનાવવા માટે ફાઈનાન્સમાંથી લોન લીધી હતી. આ બંન્ને લોનના વ્યાજ ચુકવવા માટે સને.2019 થી 2023 દરમ્યાન (1) ધનસુખ સુયાણી પાસેથી કુલ 6 લાખ 3%વ્યાજે લીધેલ જેની સામે 9 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂ.27 લાખની માંગી રહેલ, (2) કાલીદાસ હીરાભાઈ હઈ પાસેથી 5 લાખ 3% લીધેલ જેની સામે 7 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂ.6.50 લાખ માંગી રહેલ, (3)કિશન વણીક પાસેથી 5 લાખ 4% લીધેલ જેની સામે 8 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂ.7.50 લાખ માંગી રહેલ, (4) અરવિંદ લાખા કોળી પાસેથી 7 લાખ 4% લીધેલ જેની સામે 10 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂ.12 લાખ માંગી રહેલ, (5) રમેશ જેઠા વાંદરવાલા પાસેથી 15 લાખ 6 % લીધેલ જેની સામે 16 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજના બાકી રૂ.24 લાખ માંગી રહેલ, (6) જીતેન્દ્ર કાળા ગોહેલ પાસેથી 9 લાખ 4 % લીધેલ જેની સામે 11 લાખથી વધુ ચુકવી દીધા હોવા છતાં મુદલની 9 લાખ અને વ્યાજ માંગી રહેલ, (7) સુરેશ દામોદર માવદિયા પાસેથી 21.50 લાખ 5 % લીધેલ જેની સામે 24 લાખ ચુકવી દીધા હોવા છતાં મુદલ અને વ્યાજની રકમ બાકી માંગી રહેલ, (8) નિતીન દામોદર માવદિયા પાસેથી 5 લાખ 4.5% લીધેલ જેની સામે 5 લાખ વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં મુદલની રકમ માંગી રહેલ, (9) ઈશ્વર પીઠડ પાસેથી 1.5 લાખ 5 % લીધેલ જેની સામે 1.50 લાખ વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં મુદલની રકમ માંગી રહેલ, (10) ચંદ્રેશ સુયાણી પાસેથી 4 લાખ 3.5 % લીધેલ તેમને વ્યાજ સાથે મુદલની રકમ ચુકવી દીધા હોવા છતાં મુળ રકમની માંગણી કરી રહેલ, (11) ધર્મેશ ખારવા પાસેથી 3 લાખ 3.5 % લીધેલ તેમને વ્યાજ સાથે મુદલની રકમ ચુકવી દીધા હોવા છતાં મુળ રકમની માંગણી કરી રહેલ છે.
ઉપરોકત તમામ લોકો પાસેથી સને 2019 થી 2023 દરમ્યાન રજનીકાંતભાઈએ જુદા જુદા સમયે જરૂરીયાત મુજબ કુલ રૂ.69.50 લાખ વ્યાજે લીધેલ જેની સામે અત્યાર સુધીમાં કુલ રૂ.92.50 લાખની રકમ ચુકવી દીધી છે. તેમ છતાં તમામ શખ્સો વારંવાર રજનીકાંતની દુકાને તથા ઘરે જઈ તમેન મોબાઇલ ફોનમાં ધાક-ધમકીઓ આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ચેક રીટર્ન કરવાની ધમકી આપવાની સાથે પિતા-પુત્રોને મારવાની અને દુકાન બંધ કરાવી દેવાની ધમકીઓ આપી રહેલ હતા. આ ત્રાસથી કંટાળી જઈને રજનીકાંતભાઈ આત્મહત્યા કરવાનું વિચારી રહેલ ત્યારે તેમના મિત્રની મદદથી પીએસઆઈ કે.એન.મુછાળને રૂબરૂ મળીને ઉપરોકત સમગ્ર હક્કીત જણાવી હતી. જેને લઈ ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ પ્રથમવાર એકી સાથે 11 વ્યાજખોરો સામે બીએનએસ અને નાણાં ધીરધારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી સાત વ્યાજખોરોને ઝડપી લીધેલ જ્યારે બાકીના ચારને પકડવા તજવીજ હાથ ધરી છે.