સોમનાથ મંદિર નજીક ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા યાત્રિકો પસાર થવા મજબુર

0
લાંબા સમયથી ઉદભવતી સમસીયાનું નિરાકરણ લાવવામાં પાલિકાતંત્રની ઘોર બેદરકારીથી યાત્રિકો પરેશાન : ખુશ્બુ ગુજરાત કી…ના રાજ્ય સરકારના નારાને લાંછન લગાડતી સ્થાનીક તંત્રની નિંભરતા

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. મંદિરથી સાગર દર્શન તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થઈ મંદિર તરફ જવાની ફરજ પડતા યાત્રિકોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.
વેરાવળ પાલિકા તંત્ર પ્રતિમાસ સફાઈ પાછળ એક કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કરે છે પરંતુ વેરાવળ પાટણ જોડીયા શહેરમાં ચારે તરફ છાશવારે ગંદકી જોવા મળે છે. તીર્થ નગરી સોમનાથના નાગરિકો તો પાલિકા તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ હવે તો દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકો પણ પાલિકા તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.
વેરાવળ પાટણ શહેરમાં જોવા મળતી ગંદકી યાત્રાધામ સોમનાથ નજીક પણ જોવા મળી રહી છે સોમનાથ મંદિરની તદ્દન નજીક સાગર દર્શન તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળતાં દેશ-વિદેશથી આવતાં યાત્રિકોને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. જેને લઇ યાત્રિકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સોમનાથ મંદિર નજીક ગટરો ઉભરાવાની ઘટનાઓ છાશવારે બનતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પાલિકા તંત્રની આ ગંભીર બેદરકારીના કારણે દેશ-વિદેશથી આવતાં યાત્રિકો વેરાવળ સોમનાથ જોડીયા શહેરની ગંદી છાપ લઈ જઈ રહ્યા છે ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશોએ સોમનાથ મંદિર નજીકની આ ગંદકી નો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી પ્રબળ લોકમંગ ઉઠી રહી છે.
રાજ્ય સરકારના નારાને લાંછન
 
અત્રે નોંધનીય છે કે, ખુશ્બુ ગુજરાત કી કુછ દિન તો ગુજારો સોમનાથ મે….ની એડ ફિલ્મ દ્વારા રાજ્ય સરકાર પ્રવાસીઓને સોમનાથ આવવા અપીલ કરે છે. ત્યારે રાજ્ય સરકારના નારાને સ્થાનિક તંત્રની નિંભરતા લાંછન લગાડી રહી છે. ત્યારે લાંબા સમયથી જોવા મળતી સોમનાથ મંદિર નજીક ગટર ઉભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાએથી ઠોસ કામગીરી થશે કે કેમ તે જોવુ રહ્યુ.
error: Content is protected !!