જૂનાગઢ જેલમાં વેરાવળના કાચા કામના કેદીએ બાથરૂમમાં લટકી ગળાફાંસો ખાઇને આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેલ સૂત્રો અનુસાર વેરાવળ સાયબર ફ્રોડના ગુનાનો ૧૯ વર્ષીય કૃણાલ પ્રવીણભાઈ વાઘેલાને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ગત તા. ૨૦ ડિસેમ્બરના રોજ જેલમાં આવેલ કાચા કામનો કેદી કૃણાલે બુધવારે સાંજે ૫ વાગ્યાના અરસામાં જેલનાં બાથરૂમમાં દોરી વડે લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ થતા જેલ અધિક્ષક એચ. ઓ. વાળાએ દોડી જઇ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને વાકેફ કરતા તેઓની હાજરીમાં વીડિયોગ્રાફી કરી કાચા કામના કેદીનો મૃતદેહ નીચે ઉતારી એ ડીવિઝન પોલીસ મારફત પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ જેલમાં કાચા કામનો કેદી કૃણાલ પ્રવીણભાઈ વાઘેલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જેલ અધિક્ષક એચ. ઓ. વાળાએ મૃતક કેદીની બેરેકનાં સાથી કેદીઓની પૂછપરછ કરતા કૃણાલ પ્રથમ વખત જેલમાં આવ્યો હોય અને જામીન ન થવાની ભીતિ હોય જેથી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું.