આશરે રૂા.બે કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં આજે વિરવા ગામે આશરે બે હજાર ચોરસ મીટર જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણ હટાવીને આશરે રૂપિયા બે કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વિરવા ગામમાં સરકારી ખરાબાની રેવન્યુ સ.નં.૭૧ ની આશરે ૨૦૦૦ ચો.મી. જમીનમાં અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. આથી જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તથા ૨૦૨ હેઠળ તમામ દબાણદારોને અગાઉ નોટીસ બજવણી કરવામાં આવી હતી અને સરકારી જમીન ઉપરનો અનઅધિકૃત કબ્જો ખુલ્લો કરી આપવા જણાવવામાં આવ્યું હતું. આ દબાણ આજદિન સુધી દૂર થયા ના હતા. આથી જિલ્લા કલેક્ટરની સુચના તથા પ્રાંત અધિકારીના માર્ગદર્શન મુજબ, લોધીકા મામલતદારએ વિરવા ગામે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત આશરે રૂા.બે કરોડની કિંમતની આશરે ૨૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન પરનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરાવ્યું હતું. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.