ઇમિટેશન જવેલરી, ડેરી ટેકનોલોજી, પેટીએમ, ટાટા ઓટોકોમ્પ, સુઝુકી મોટર્સ, વીમા કંપનીઓ વગેરે ક્ષેત્રોમાં રોજગારી માટે રસ દાખવતા ૪૦૦૦થી વધુ ઉમેદવારો
રાજકોટના બાલભવન ખાતે જિલ્લા રોજગાર કચેરી અને શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવું ના પડે અને સમયનો બચાવ થાય તેવા આશયથી એક જ જગ્યાએ આયોજિત મેગા જોબફેરમાં અલગ અલગ ૫૮ કંપનીઓ એક જ જગ્યા પર એકઠી થઈ હતી. આ જોબફેરમાં સામેલ થઈને રોજગાર મેળવવા માટે રોજગાર વિભાગ દ્વારા ૬ હજારથી વધુ નોંધાયેલા ઉમેદવારોને આમંત્રિત કર્યા હતા. તમામ ઉમેદવારોને આવવા-જવા માટે એસ. ટી.ના કૂપન પણ આપવામાં આવ્યા હતા. જોબફેરમાં ધોરણ ૧૦ પાસ થી લઈને માસ્ટર ડિગ્રી સુધીની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી કરવામાં આવી હતી. આજના જોબફેરમાં ઇમિટેશન જવેલરી, ડેરી ટેકનોલોજિ, પેટીએમ, ટાટા ઓટોકોમ્પ, સુઝુકી મોટર્સ, વીમા કંપનીઓ વધુ જોવા મળી હતી.
શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના સ્થાપકશ્રી શ્રી લાભુભાઈ ત્રિવેદીના જન્મ શતાબ્દીના અવસર પર રકતદાન કેમ્પ અને મેગાજોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રી અલ્પનાબેન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી જોબફેરનું આયોજન કરવામાં આવે છે. આજની તક તમામ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું ઋણ ચૂકવવાનો અવસર છે. કોઈપણ જોબ નાની નથી હોતી પોતાની સાર્થકતા સાબિત કરવાનો અનેરો અવસર છે.
યુનિવર્સિટીના વિવિધ કોર્ષમાં, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, યૂથ ફેસ્ટિવલ સહિતની વિવિધ સ્પર્ધામાં ઉતિર્ણ થયેલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર, શિલ્ડ અને ચેક ઈનામરૂપે આપવામાં આવ્યા હતા.