જૂનાગઢ શહેરમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા શહેરના અલગ -અલગ શૈક્ષણિક સંકુલોમાં ૨૫ ડિસેમ્બરને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. શ્રી યોગ વેદાંત સેવા સમિતિના અધ્યક્ષ અને રાષ્ટ્ર વંદના મંચ જૂનાગઢ જિલ્લાના કન્વીનર રામભાઈ ભુતીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૫ ડિસેમ્બરના નાતાલ પર્વ જે પદ્ધતિથી ભારતમાં ઉજવવામાં આવે છે તે ભારતીય સંસ્કૃતિને અનુકૂળ નથી અને આ પર્વ જે રીતે ભારત જેવા સંસ્કૃતિ પ્રધાન દેશમાં ઉજવવામાં આવે છે તેનાથી ભારતીય સમાજ અને ખાસ કરીને ભારતના યુવાન યુવતીઓ ગુમરાહ બને છે. આજે આખુ વિશ્વ પ્લાસ્ટીકની બાબતમાં ચિંતિત છે. ત્યારે આ પર્વ ઉજવવામાં ક્રિસમસ ટ્રી જેવા પ્લાસ્ટિક વૃક્ષને મહત્વ આપવુ કેટલું વ્યાજબી ગણાય ? તેની સામે આપણી ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો મહિમા અપરંપાર છે અને તે એટલા ઔષધીય ગુણો ધરાવે છે કે આજે વિજ્ઞાન પણ કહે છે “તુલસી ઇજ ધ વંડરફુલ ડ્રગ્જ”. આપણા આર્યુવેદ શાસ્ત્રમાં તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે શાસ્ત્રોકત વિધિથી તુલસીનું કાયમી સેવન કરવામાં આવે તો કેન્સર જેવા ઘાતક રોગ પણ મટી શકે છે. ભારતની ઋષિ પરંપરા અને ઉત્તમ સંસ્કૃતિને ભૂલીને ૨૫ ડિસેમ્બરથી લઇ ૩૧ ડીસેમ્બર સુધી નાતાલ પર્વના નામે અનેક અસમાજિક પ્રવૃત્તિઓ થાય છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલ પ્રમાણે આ નાતાલ પર્વ દરમ્યાન જેટલો વાઇનનો ઉપયોગ થાય છે તે રેકોર્ડ બ્રેક છે. ભારતીય સમાજ પોતાની ઉત્તમ સંસ્કૃતિને ભૂલીને આ વિકૃતિઓ તરફ આકર્ષિત થઈને બરબાદ ન થાય તે હેતુથી સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી છેલ્લા પંદર વર્ષથી ૨૫ ડિસેમ્બરને તુલસી પૂજન પર્વ તરીકે દેશ વિદેશમાં ઉજવવામાં આવે છે. અને ૨૫ ડિસેમ્બર થી લઈને ૩૧ ડીસેમ્બર સુધી આ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર ભારત દેશમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વૃંદા અભિયાન ચલાવવામાં આવે છે જેમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા લોકોને તુલસીના છોડ સાથે તુલસી રહસ્ય પુસ્તક આપવામાં આવે છે અને ઘર ઘર તુલસી હર ઘર તુલસીના સૂત્રને સાર્થક કરવામાં આવે છે. આ પર્વ પ્રસંગે જૂનાગઢના શૈક્ષણિક સંકુલોના લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓને તુલસીનું મહત્વ વૈજ્ઞાનિક અભિગમ સાથે શ્રીરામભાઈ ભૂતિયા દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રીરામભાઈ ભૂતિયાના અધ્યક્ષ સ્થાને યોગ વેદાંત સેવા સમિતિના ભાઈઓ તથા મહિલા ઉત્થાન મંડળની બહેનોએ ખાસ જહેમત ઉઠાવી હતી.