ગુજરાત રાજ્યના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થાય તે હેતુસર સરકાર દ્વારા એક જ છત નીચે એલોપથી તબીબી સારવારની સાથોસાથ આયુષ(આયુર્વેદ,યોગ,યુનાની, સિદ્ધા અને હોમીઓપેથી)ની સેવાઓ પણ મળી રહે, તેવા હોલીસ્ટીક એપ્રોચથી દરેક જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલ ખાતે આયુર્વેદ અને હોમિયોપથી ઓપીડીની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ ખાતે ઓકટોબર-૨૦૧૮થી આયુર્વેદ તથા હોમિયોપથી ઓપીડીની શરૂઆત કરવામાં આવેલ છે. આ ઓપીડી સેવામાં આયુર્વેદ અને હોમિયોપથી નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજ દિન સુધીમાં અનેક લોકોએ આયુર્વેદ અને હોમિયોપથી ઓપીડી ખાતે સેવાઓનો લાભ લીધેલ છે. આયુષની વધુ સેવાઓ લોકો સુધી પહોંચે એ હેતુસર જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આયુર્વેદ પંચકર્મ ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ છે. આયુર્વેદની ખૂબ ઝડપી અસરકારક અને ફાયદારૂપ એવી પંચકર્મની સારવાર માટે આયુર્વેદ પંચકર્મ ડે – કેર સેન્ટર ખાતે પંચકર્મની સુવિધા નિયમિત રૂપે મળશે. પંચકર્મ સારવાર માં માલીશ, શેક, નસ્ય, શિરોધારા, જાનુ – કટિ – હ્રદ – ગ્રીવા બસ્તિ વિગેરે જેવી સારવાર કરવામાં આવશે. આ સારવાર શરીર માં ભેગા થયેલ વિષ (જમા થયેલ ગંદકી) ને બહાર કાઢી શરીર ને ડીટોક્ષ (વિષ) મુક્ત કરી ભવિષ્ય આવનાર ગંભીર પ્રકારના ના રોગ જેવા કે કેન્સર,સોર્યાસિસ,વા સાંધા ના રોગ, લાઇફ સ્ટાઇલ આધારિત રોગ જેવાકે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચિંતાને કારણે થતા રોગો , ગોઠણ – કમર – સાંધાના દુઃખાવા, સાયટીકા, માથા – વાળના રોગો, ચામડીના રોગો વિગેરે માં ખૂબ સારૂ અને ઝડપી પરિણામ આપે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષીકેશભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તથા કમિશ્નર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની ટીમ અને આયુષ નાયબ નિયામક જનરલ હોસ્પિટલ જૂનાગઢની મુલાકાતે આવેલ, જે દરમ્યાન આયુષ ઓપીડી અને આયુર્વેદ પંચકર્મ ડે કેર સેન્ટરની મુલાકાત લીધેલ. આરોગ્ય મંત્રીએ આયુષ ઓપીડી અને આયુર્વેદ પંચકર્મ ડે કેર સેન્ટરના તમામ વિભાગની મુલાકાત લીધેલ અને ઉપલબ્ધ સુવિધા અને કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. આયુષ ઓપીડી ખાતે આયુર્વેદ નિદાન સારવાર, હોમિયોપથી નિદાન સારવાર, યોગ-આસન-પ્રાણાયામ અંગે માર્ગદર્શન તથા પંચકર્મની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જૂનાગઢ અને આસપાસના લોકો આ સુવિધાનો વધારે પ્રમાણમાં લાભ લે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીએ અપીલ કરી છે.