ખંભાળિયા પંથકમાં ઈસુના નવા વર્ષને અનુલક્ષીને ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ હાલ નાતાલ તેમજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના તહેવારોને અનુલક્ષીને સધન કોમ્બિંગ તેમજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. સરવૈયાની ટીમ દ્વારા અહીંના નગર ગેઈટ, ચાર રસ્તા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુદી જુદી ટુકડીઓ દ્વારા આ કામગીરી કરાઈ હતી. આ કામગીરીમાં વાહનોના ચેકિંગ તેમજ બાઈક ઉપર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કરવામાં આવતા નશાબાજ તત્વોમાં ફફડાટની લાગણી જાેવા મળી હતી. આ કામગીરીમાં પોલીસ દ્વારા વિવિધ મુદ્દે ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા.