મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત : સમગ્ર રાજ્યમાં ચાર મહત્વપૂર્ણ મહોત્સવ જનભાગીદારીથી યોજવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું
૨૦૨૫માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણી
• સંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના ૭૫માં વર્ષની ઉજવણી અને કટોકટીના ૫૦ વર્ષ
• ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી
• ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી
• શ્રી અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦મા જન્મ જયંતી વર્ષની ઉજવણી
સમગ્ર ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી થશે. સાથે જ, ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે ગુજરાતમાં વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે. આ બધા જ ઉજવણી કાર્યક્રમોને વધુ લોકભોગ્ય અને પ્રજા સહભાગીતા પ્રેરિત બનાવવા વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના સમયબદ્ધ આયોજનની વિગતવાર પ્રસ્તુતિ મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ આ બેઠકમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉજવણી કાર્યક્રમોને પરસ્પર સાંકળી લઈને સમગ્રતયા ગૌરવપૂર્ણ ગાથા તરીકે રાષ્ટ્રહિત ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સહિત ૨૮ સભ્યોની આ સ્ટીયરીંગ કમિટીમાં રજૂ થયેલ પ્રેઝન્ટેશનને વધુ વ્યાપક અને જનભાગીદારી સભર બનાવવાના હેતુસર ઝીણવટપૂર્વક અભ્યાસ અને યોગ્ય સુધારાઓ માટે પ્રેરક સૂચનો પણ મુખ્યમંત્રીએ કર્યા હતા. સંવિધાનનો અમૃત મહોત્સવ અને આપાતકાલના ૫૦ વર્ષની ઉજવણી સંદર્ભે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે અગ્ર સચિવ અશ્વિનીકુમાર તથા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર આલોક પાંડેએ મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમના નોડલ વિભાગ તરીકે ગૃહ વિભાગ જવાબદારી સંભાળશે તેના અગ્રસચિવ નિપૂણા તોરવણએ તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી – જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કાર્યક્રમની વિસ્તૃત માહિતી આદિજાતિ વિકાસ કમિશનર ગુલાટીએ આપી હતી. શ્રી અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦માં જન્મ જયંતી વર્ષની ઉજવણીના કાર્યક્રમો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમની વિગતવાર માહિતી દર્શાવતું પ્રેઝન્ટેશન અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી એ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ આ પ્રેઝન્ટેશન નિહાળીને રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.