જાેષીપરાની રૂપિયા ૭.૩૦ લાખની ચોરી મામલે પોલીસે દાગીના વેચવાની મદદ કરનાર વેપારી પુત્રની સ્ત્રી મિત્રની પણ ધરપકડ કરી લગડી સ્વરૂપે સોનાનો તમામ મુદ્દામાલ કબજે લઇ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા હતા. જાેષીપરામાં રહેતા વેપારી રોહિતભાઈ મહેશભાઈ હરવાણીના મકાનમાંથી રૂપિયા ૭.૩૦ લાખની માલમતાની ચોરીમાં પકડાયેલ વેપારીના પિતરાઈ મિહિર ઉર્ફે મોહિત ઉર્ફ રોકી રાજેશ હરવાણી, તેના મિત્રો હિતેશ ઉર્ફે લાલો રમણીક બૂમતારીયા અને હર્ષ હેમેન્દ્ર ગદાને તપાસનીશ પીઆઇ પી. સી. સરવૈયાએ બુધવાર સુધી રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરતા આરોપી હર્ષ હેમેન્દ્રએ સોનાના દાગીના વેચવા માટે તેની સ્ત્રી મિત્ર હિરલ ઉર્ફે દીપ્તિ અલ્પેશ તન્નાનો ઉપયોગ કર્યો હોવાનું ખુલતા ૨૮ વર્ષીય હિરલ ઉર્ફે દીપ્તિની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ ત્રિપુટી પાસેથી રૂપિયા ૨,૫૦,૭૧૦ની કિંમતનું સોનાનું બ્રેસલેટ જપ્ત કર્યા બાદ બુધવારે પોલીસે આરોપીઓ પાસેથી લગડી સ્વરૂપે બાકીનો સોનાનો મુદામાલ પણ કબજે લીધો હતો. દરમ્યાન મિહિર ઉર્ફ મોહિત, હિતેશ ઉર્ફે લાલો અને હર્ષ હેમેન્દ્રના રિમાન્ડ પુરા થતા ત્રણેય આરોપી અને હિરલ ઉર્ફે દીપ્તિને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જેના પગલે પોલીસે ચારેયને જિલ્લા જેલ હવાલે કર્યા હતા. પોલીસ સૂત્રો અનુસાર આરોપી વેપારી પુત્ર હર્ષ હેમેન્દ્ર ગદાની સ્ત્રી મિત્ર હિરલ ઉર્ફે દીપ્તિ પતિથી છુટાછેડા લીધા બાદ જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં હર્ષ હેમેન્દ્ર સાથે રહેતી હતી. અને તેણીએ સોનાના દાગીના વેચવા માટે મદદ કરી હોવાની વિગતો પોલીસ પૂછપરછમાં બહાર આવી હતી. દરમ્યાન ૭.૩૦ લાખની ચોરીના મામલે મુખ્ય આરોપી મિહિર ઉર્ફે મોહિત ઉર્ફ રોકીને આર્થિક મદદ આપનાર શહેરમાં દાતાર રોડ ઉપર ગાયત્રી દાળિયાની દુકાન ધરાવતા વેપારી પુત્ર હર્ષ હેમેન્દ્ર ગદાના ઘરે પોલીસે સર્ચ કરતા સોનુ ગાળવા માટે ઉપયોગમાં લેવાતું લાઇટર મળી આવતા કબજે કર્યું હતું. અને બાકીનો સોનાનો મુદ્દામાલ પોલીસે લગડી સ્વરૂપે કબજે લઈને કાર્યવાહી કરી હતી.