વાહનોમાં સ્વહસ્તે રેડિયમ સ્ટ્રીપ લગાડી કલેક્ટરએ માર્ગ સલામતિ અંગે જાગૃતિ સંદેશ આપ્યો : નાગરિકોમાં જાગૃતિ આવશે તો અકસ્માતોનું પ્રમાણ આપોઆપ ઘટી જશે : કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં પ્રતિવર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧-૧-૨૦૨૫થી તા.૩૧-૧-૨૦૨૫ સુધી ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ટાવર પોલીસ ચોકી ખાતેથી માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે નાગરિકોમાં ટ્રાફિક અને વાહન ચલાવવા સમય દરમ્યાન નિયમોના પાલન અંગે સ્વૈચ્છિક જાગૃતિ જરૂરી છે. સ્વૈચ્છિક જાગૃતિ આવશે તો વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાશે. વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું તેમ જ સીટબેલ્ટ બાંધવા જેવી નાની-નાની વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આપણે જ્યારે નાની-નાની વાતોનું પાલન કરીશું તો જ મોટા અકસ્માતોથી બચી શકાશે. ટ્રાફિક નિયમોના પાલન અને નાગરિકોની સલામતી માટે જાગૃતિ પર ભાર આપતા ડી.વાય.એસ.પી વી.પી.માનસેતાએ જણાવ્યું હતું કે, વાહન ચલાવતા સમયે યોગ્ય સૂચનાઓ અને સાઈન બોર્ડને ધ્યાનમાં રાખવા જરૂરી છે માનવીય જીવનનું મૂલ્ય મહત્વનું છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા હેલ્મેટ પહેરવું અને લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગંભીર ગુનો બને છે. આમ કહી તેમણે પોતાની અને બીજાની સલામતી માટે નિયમોનુસાર વાહન ચલાવવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો. માર્ગ સલામતિ માસ અંતર્ગત “દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો જાેઈએ”, “ઝડપ મર્યાદાની અંદર વાહન ચલાવવું”, “નશાકારક પદાર્થોનું સેવન કરી વાહન ન ચલાવવું”, “લાલ લાઈટને પાર કરવાનો દંડ”, “માર્ગ સુરક્ષા વિશે બાળકોને સમજાવો, ભાવિ નાગરિકને સાચો રાહ બતાવો” તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરો એવો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરએ સ્વહસ્તે વાહનોમાં રેડિયમ સ્ટ્રીપ લગાડી માર્ગ સલામતિ અંગે જાગૃતિ અંગે સંદેશ આપ્યો હતો તેમજ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપતા પેમ્પલેટ્સ વિતરણ કરવામાં આવ્યા હતાં. આ તકે, આર.ટી.ઓ વિભાગના અધિકારી વાય.જી.વાઘેલા, ઈન્સ્પેક્ટર એચ.એમ ગોહિલ, એન.જે.ગુજરાતી, ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટના જે બી મહેતા સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.