૪ જાન્યુઆરી, “વિશ્વ બ્રેઇલ દિવસ” : અંધજનોની આંખોને ‘બ્રેઇલ’ થકી મળી પાંખો

0

કેમ કરી સમજાવું કેવો આપણો સંબંધ છે, તું લખે છે બ્રેઇલમાં અને હાથ મારો અંધ છે


લૂઈસ બ્રેઈલ નામના વ્યક્તિ દ્વારા શોધાયેલ ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ છે. જેને અંધલોકો પોતાની આંગળીના સ્પર્શ દ્વારા વાંચે છે. બિલ્ડિંગની લિફ્ટ અને બેંકોના મશીનની સ્વીચમાં પણ બ્રેઈલ લિપીનો ઉપયોગ થાય છે. બ્રેઈલના શોધક લૂઈસ બ્રેઈલનો જન્મ ૪ જાન્યુઆરીનાં રોજ ફ્રાન્સમાં થયો હતો. તે ફ્રાન્સનાં શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા. નાનપણમાં જ અકસ્માતનાં કારણે આંખો ગુમાવવાથી તેમને અંધજનોની તકલીફો સમજાઈ અને એ દિશામાં કશુંક કરવાનો નિશ્ચય કર્યો. ૧૮૨૯ માં જ્યારે તે ફક્ત ૨૦ વર્ષનાં હતા એ સમયે તેમણે પ્રથમ ‘બ્રેઇલ’ બુક પ્રકાશિત કરી હતી. એ પછી પણ તેમનો મોટા ભાગનો સમય બ્રેઇલને સુધારીને વધુમાં વધુ સરળ બનાવવા માટે જ ગયો હતો. તેમનાં મૃત્યુ પછી પણ આ લિપિ હજુ લોકોએ સ્વીકારી ન હતી, પરંતુ ભાવી પેઢીઓને સમય જતા સમજાય ગયું હતું કે તેમની ખોજ કેટલી ક્રાંતિકારી હતી. સામાન્ય વ્યક્તિ પોતાની આંખોથી દુનિયા જાેઈ શકે છે જયારે અંધજનો માટે એ શક્ય નથી બનતું. તેમને આસપાસનાં વાતાવરણનો ખ્યાલ આવે તે માટે તેમની પાસે ‘વ્હાઈટ કેન’ હોય છે પરંતુ જ્યારે શિક્ષણની વાત આવે, અક્ષરો પારખીને લખવા વાંચવા કે સાક્ષર થવાની વાત આવે ત્યારે શું ? અંધજનોને ભણવાનો અધિકાર જ નથી એવું તો નથી, પરંતુ તેમને શિક્ષણ આપવા કરવું પણ શું ? એવું શું કરવું કે તે લખી કે વાંચી શકે તો તે માટે લૂઇસ બ્રેઇલે બ્રેઇલ લિપીનું સંશોધન કર્યું. જેનાં દ્વારા અંધજનો પણ એમની આંગળીનાં ટેરવે રહેલી તેમની આંખોથી શિક્ષણ મેળવીને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. કેમ કરી સમજાવું કેવો આપણો સંબંધ છે, તું લખે છે બ્રેઇલમાં અને હાથ મારો અંધ છે.
– મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)

error: Content is protected !!