ર૪ માર્ચ ર૦ર૪માં એસપી હર્ષદ મહેતાએ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું તેમ છતાં અસામાજીક પ્રવૃતિ કરનારા અને પોલીસની મીલીભગતને ખુલ્લી પાડતા બનાવો બન્યા !
જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં અસામાજીક પ્રવર્તિને નેસ્તનાબુદ કરવા માટે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સુચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને એસપી દ્વારા કડક સુચનાઓ જારી કરવામાં આવી હોવા છતાં પણ ક્યાંયને ક્યાંક અસામાજીક પ્રવૃતિ કરનારાઓ અને પોલીસની સાંઠગાંઠ અને મીલીભગતના કારણે દારૂ, જુગાર સહિતની ગેરકાનુની પ્રવૃતી થઈ રહી હોવાનો સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યો છે. જીલ્લા પોલીસ વડાએ માર્ચ ર૦ર૪માં અધિકારીઓને કડક સુચના આપતો પત્ર વાયરલ કર્યો છે અને કેટલીક વિગતો બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ માર્ચ ૨૦૨૪માં દારૂ જુગારની પ્રવૃત્તિમાં ઝીરો ટોલરન્સની નીતિનો અમલ કરવા પોલીસ અધિકારીઓને પત્ર પાઠવ્યો હતો. હાલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ અધિક્ષકના પત્ર અનુસાર પ્રોહિબિશન, જુગાર ધારાની કડક અમલવારી કરવા અને જૂનાગઢ જિલ્લામાંથી આ દુષણ નાબૂદ કરવા ઝીરો ટોલરન્સની નીતિનું જિલ્લાના દરેક અધિકારી કર્મચારીએ અનુસરણ કરવા અને આવી પ્રવૃત્તિ અંગે ઢીલી નીતિ સાંખી લેવામાં નહીં આવે, દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ધંધાર્થીઓ સાથે પોલીસની સાઠગાંઠ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં એવી તાકીદ કરી હતી. એસપીના વાયરલ પત્ર અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા વિસાવદર, વંથલી, બાંટવા, કેશોદ, જૂનાગઢ બી ડિવિઝન, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી દારૂનો કેસ શોધી કાઢવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરીને એવું ફલિત થયાનું જણાવ્યું હતું કે, જિલ્લામાં ભૂગભિર્ય રીતે તેમજ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારૂની પ્રવૃત્તિ ચાલુ છે. આ પ્રવૃત્તિ કચેરીના હુકમ, સૂચનનું ઉલ્લંઘન કરી ચાલુ હોવાનું નકારી શકાય નહીં. બહારની એજન્સીએ સફળ રેઇડ કરી હતી અને સ્થાનિક પોલીસ આ પ્રવૃત્તિથી અજાણ હોય તે પણ માનવાલાયક નથી. પોલીસની બુટલેગરો કે જુગારીઓ સાથે સાંઠગાંઠ ચલાવાશે જ નહી અને કડક શિક્ષા કરશે તેવો નિર્દેશ જીલ્લા પોલીસ વડાએ આપ્યો છે.