ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મંગળવારે મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા નવ પક્ષીઓને સારવાર અપાઈ હતી. સાથે વધુ સારવાર અર્થે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈસોલેટ કરવામાં આવ્યા છે. ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં નવ કબુતર સહિતના પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. જેથી તમામની જરૂરી સારવાર કરવામાં આવી હતી.
ભાણવડમાં પતંગની દોરીથી થયા ઘાયલ પક્ષીઓની સારવાર
ભાણવડ પંથકમાં મંગળવારે કરૂણા અભિયાન અંતર્ગત ભાણવડ વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ઉતરાયણ પર્વની ઉજવણીમાં ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને બચાવવા પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કુલ છ પક્ષીઓ પતંગની દોરથી ઇજાગ્રસ્ત થતાં રેસક્યું કરી, સારવારની વ્યવસ્થા કરાઇ હતી. આ રેસ્કયુ કામગીરી દરમ્યાન ચાર કબૂતર અને બે ઘુવડ (રેવિદેવી) પ્રજાતિના પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં તંદુરસ્ત જણાતા પક્ષોને મુક્ત કરી દેવાયા હતા. જાે કે એક કબૂતર રેસ્કયુ બાદ મૃત્યુ પામ્યું હતું. ઉતરાયણ દરમ્યાન ભાણવડ ખાતે વન વિભાગ અને અબોલ જીવોની સેવાર્થે જાણીતી સંસ્થા એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ દ્વારા જકાત નાકા, રણજીત પરા સ્થિત શિવ બળદ આશ્રમ, રવિરાજ હોટેલ વિસ્તાર ખાતે સરકારી વેટરનરી ડોક્ટર્સ ટીમ અને માડમ ટ્રસ્ટના ડોક્ટર્સની ટીમની મદદથી સારવાર કેન્દ્ર ખુલ્લા મુકાયા હતા. જેમાં સેવાભાવી કાર્યકરો અને ડોક્ટર્સ દ્વારા જાેડાઈને નિર્દોષ પક્ષીઓને બચાવવાનો પ્રસંશનીય પ્રયાસ કરાયો હતો.
કરૂણા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૦ અબોલ પશુ પક્ષીઓની કરાઈ સારવાર
ગુજરાત રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦ થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન કરૂણા અભિયાનમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૬૦ અબોલ પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૫ પક્ષીઓ, ૩૩ કુતરા, ૧૮ ગાય અને ૪ બિલાડીની સારવાર કરવામાં આવી હતી. કરૂણા અભિયાન દરમ્યાન અલગ અલગ જગ્યાએ પશુ પક્ષીઓ જે પતંગના દોરાવાથી ઘાયલ હોય અને અન્ય કોઈ રીતે વધારે ગંભીર ઈજા કે બીમારીથી પીડાતા હોય, તેની ખાસ સારવાર કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સંખ્યા એક રાખવામા આવી હતી. તેમ પોરબંદર ઝોન પ્રોગ્રામ મેનેજર ડો. સાયેબ ખાન દ્વારા જણાવ્યું હતું. ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારા આ કરૂણા અભિયાનમાં જાે કોઈ પણ નાગરિકને ક્યાંય પણ પક્ષીઓ ઘવાયેલ જાેવા મળે તો નિઃશુલ્ક સેવા ૧૯૬૨ માં કોલ કરી જીવ બચાવવા અપીલ કરવામાં આવી છે.