મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યરત યોજનાઓ જરૂરિયાતમંદો માટે ટેકારૂપ બની રહી છે : લાભાર્થી ધકુબેન
રાજય સરકાર દ્વારા કાર્યરત જન કલ્યાણકારી યોજનાઓ ગરીબ, વંચિત સહિત જરુરિયાતમંદ તમામ લાભાર્થીઓ માટે આશીર્વાદ સમાન બની છે. છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને લાભાર્થીઓ વિકાસની મુખ્યધારા સાથે જોડાઈ શકે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
ત્યારે વાત કરીએ રાજકોટમાં રહેતા દિવ્યાંગ દંપતિની જેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત રૂ.૧ લાખની આર્થિક સહાય મળી છે. સરકારની સહાય થકી આ દંપતિનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થી રાજેશભાઈ સોલંકી અને તેમના પત્નિ ધકુબેન સોલંકી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ‘દિવ્યાંગ લગ્ન સહાય’ યોજના હેઠળ દિવ્યાંગતાની ટકાવારીના માપદંડ આધારે નાણાકીય લાભ આપવામાં આવે છે.
ત્યારે લાભાર્થી રાજેશભાઈએ કહ્યું કે, અમે પતિ પત્ની બંને દિવ્યાંગ હોવાથી બંનેને રૂપિયા ૫૦-૫૦ હજારની રકમની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ રકમથી અમે નાના ધંધાનું સાહસ પણ કર્યું અને હવે રોજગારી મેળવતા થયા છીએ. વર્ષ ૨૦૨૩મા દિવ્યાંગ લગ્ન સહાય યોજનાથી મળેલી રકમથી કેબીન ખરીદી સૂકા નાસ્તાનો વેપાર કરનાર રાજેશભાઈ અને ધકુબેન આર્થિક રીતે પગભર બન્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલતી અનેક યોજનાઓ અમારા જેવા ગરીબ અને વંચિત પરિવારો માટે ટેકારૂપ બની છે તેમ ધકુબેને જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.