જૂનાગઢમાં ગાંધીગ્રામમાં આવેલ શિશુમંગલ સંસ્થાના વૃધ્ધ ગાર્ડએ ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી. પોલીસે નિવેદન લઇ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના રાયકા નગરમાં રહેતા અને ગાંધીગ્રામમાં આવેલ શિશુ મંગલ સંસ્થામાં ગાર્ડની નોકરી કરતા ૬૫ વર્ષીય કાળુભાઈ ખોડાભાઈ ચાવડા બુધવારની રાત્રે ગાર્ડની ફરજ ઉપર આવ્યા હતા અને ગુરૂવારની સવારે ૭ વાગ્યાની આસપાસ સંસ્થાની લોબીમાં જાળી સાથે દોરી વડે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. વૃદ્ધના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા હેડ કોન્સ્ટેબલ વીએન ડાંગરે વિજયભાઈ લલીતભાઈ ચોલેરાનું નિવેદન લઇ તપાસ હાથ ધરી હતી. જયારે અન્ય બનાવમાં નદીમાં ડૂબી જવાથી માનસિક અસ્થિર યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર કેશોદના શેરગઢ ગામના ૪૩ વર્ષીય મનુભાઈ કરણાભાઈ દયાતર નામના યુવકનું નદીમાં ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હતું શેરગઢ ગામે રહેતા મનુભાઈ કરણાભાઈ માનસિક અસ્થિર હતા. ગત તા. ૨૨ જાન્યુઆરીના રોજ સાંજે આકસ્મિક રીતે ગામની નદીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી મૃત્યું નિપજ્યું હતું. આ અંગે કરસનભાઈ વાલાભાઈ દયાતરએ જાણ કરતા પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.