ઉકાઇ ખાતે ઊભા કરાયેલા રૂ. ૧૦.૪૭ કરોડના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
૭૬માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તાપી જિલ્લાના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ-ખાતમૂહુર્ત કરીને તાપી જિલ્લાના નાગરિકોને ભેટ આપશે. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કામધેનુ યુનિવર્સિટી ઉકાઇ ખાતે રૂ. ૧૦.૪૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ઓફ એકસેલન્સ અને સ્ટાફ ક્વાર્ટર બિલ્ડિંગ અને એક્વેરિયમ કોમ્પલેક્ષ તથા ફીશ પ્રોસેસિંગ હોલ/વર્કશોપ બિલ્ડિંગના ઇ-લોકાર્પણ કરાશે. આ માતબર રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારના ફંડમાંથી ફાળવવામાં આવેલ છે. જેમાં ૩૦૦ તાલીમાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે ઓડિટોરિયમ હૉલ, બે અત્યાધુનિક વૈજ્ઞાનિક સાધનો ધરાવતી પ્રયોગશાળાઓ જેમાં મત્સ્ય રોગ નિયંત્રણ, પાણી અને માટીની ચકાસણી સાથેના યંત્રો, એક્વેટિક ગેલરી, ડિસ્પ્લે હૉલ, ફિશ મ્યુઝિયમ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે માછલીમાંથી બનતી વિવિધ વાનગીઓ અને એક્વેરિયમ મેનીફેકચુરિંગ હૉલ જેવી સુવિધાઓ સહિત તાલીમાર્થીઓને રહેવા માટે કુલ ૧૫ રૂમ અને વૈજ્ઞાનિકો માટે ૬ ક્વાટર્સનું નિર્માણકાર્ય પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર રાષ્ટ્રકક્ષાએ સૌથી વિશાળ સંસ્થા પૈકી એક છે. આવી ઉચ્ચ કક્ષાની અધ્યતન સુવિધાઓથી સુસજ્જ કેન્દ્ર અત્રેના વિસ્તારના સ્થાનિકો તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે હિતકારક નિવડશે. નોંધનિય છે કે, સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા નિયમિત સ્વરૂપે મત્સ્ય ઉછેર અને માછીમારી વિષય પર વિવિધ પ્રકારની તાલીમો આયોજીત કરવામાં આવશે.