આરોપીની પત્નીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી
વેરાવળ તાલુકાના દુષ્કર્મના આરોપીએ કેશોદની હોટલમાં એસિડ ગટગટાવતાં મોત નિપજયું હતું. મૃતક આરોપીની પત્નીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી સામે તેના પતિને મરવા મજબૂર કરવા બદલ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે મળતી વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામના 29 વર્ષીય અમાર ઉર્ફે અમર હાજીભાઈ જીકાણી
વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ પોતાની ઓળખ ‘ધવલ’ તરીકે આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી યુવતીને ફોન પર હેરાન કરી આત્મહત્યાની ધમકી આપતો હતો. આરોપી યુવતીને લગ્નની લાલચ આપી વેરાવળ, અમદાવાદ સહિતની અનેક સ્થળોએ હોટલમાં લઈ જઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતાં આરોપી લગ્ન કરવા ના પાડતાં પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
આ ઘટનાની તપાસમાં ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. આરોપીને અમદાવાદ થી ગીર સોમનાથ લઈ જતી વખતે રસ્તામાં કેશોદ નજીક હાઈવેની એક હોટલના લઘુશંકા માટે બાથરૂપ માટે લઈ જવાયો હતાં. ત્યારે આરોપીએ બાથરૂમમાં રાખેલા એસિડ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના હાથમાંથી એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે એસિડ ઉડતાં એક
પોલીસકર્મી શરીરના ભાગે દાઝ્યો હતો. આરોપીને તાત્કાલિક કેશોદ, જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતાં ત્યાં સારવાર દરમ્યાન આરોપીનું મોત નિપજયું હતું. આરોપીની પત્ની મરીયમબેન વા. ઓ. અમારભાઈ હાજી હબીબભાઈ જીકાણીએ પોતાના પતિનું મોત થતાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતી વિરૂધ્ધ પોતાના પતિને મરવા મજબૂર કરવા કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.